Home Gujarat Attack On Police And Forest Personnel In Ambaji Neighborhood

અંબાજીના પાડલીયામાં પોલીસ- ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો : PI હોસ્પિટલમાં દાખલ, અનેક કર્મચારીઓ લોહીલોહાણ, ગાડીઓને આગ ચાંપી

અંબાજીના પાડલીયામાં પોલીસ- ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 04:21 PM IST

બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં ફોરેસ્ટની જમીન મુદ્દે ભારે હંગામો સર્જાયો હતો. અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન ખાલી કરાવવા ગયેલા ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર હુમલો કરવામાં આવ્યો હતો. જમીન મુદ્દે સ્થિતિ ગરમાતાં અચાનક પથ્થરમારો શરૂ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનું માહોલ સર્જાઈ ગયો હતો.

7થી વધુ પોલીસ-ફોરેસ્ટ કર્મચારી ઈજાગ્રસ્ત

પથ્થરમારાની ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અંબાજી પીઆઈ આર બી ગોહિલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઘટનામાં સાતથી આઠ પોલીસ કર્મચારીઓ ઉપરાંત ફોરેસ્ટ અધિકારીઓ સહિત કુલ 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.

પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને આગ ચાંપી

હિંસક પરિસ્થિતિ દરમિયાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને પણ આગ ચાંપી સળગાવવામાં આવી હતી. પથ્થરમારા અને હુમલામાં તીર જેવા હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવવા વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

કલેકટરે ઈજાગ્રસ્ત કર્મચારીઓની લીધી મુલાકાત

સમગ્ર ઘટનાના પગલે કલેકટર મિહિર પટેલ અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઈજાગ્રસ્ત કર્મચારીઓના ખબર અંતર પૂછીને સમગ્ર ઘટના અંગે તાગ મેળવ્યો હતો. કલેક્ટરે સમગ્ર મામલે સ્થાનિક તંત્ર પાસેથી વિગતો મેળવી છે. ઘાયલ કર્મચારીઓ માટે તાત્કાલિક સારવાર મળે તે માટે કલેક્ટર દ્વારા સૂચના જરૂરી સૂચના આપી છે.

પાલનપુરના ધારાસભ્ય કર્મચારીઓના ખબરઅંતર પૂછ્યા

પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ઈજાગ્રસ્ત કર્મચારીઓના ખબર અંતર પૂછવા પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, 'પોલીસ તંત્ર સાથે વાત થયા બાદ આખી ઘટના જાણ્યા બાદ સમગ્ર ઘટના તપાસ થશે'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now