Artemis-2 Mission: અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં માનવજાત ફરી એકવાર નવો ઇતિહાસ લખવા જઈ રહી છે. નાસાના મહત્વાકાંક્ષી આર્ટેમિસ-2 મિશન હેઠળ ચંદ્ર તરફ પ્રયાણ કરી રહેલા ચાર અવકાશયાત્રીઓએ અવકાશમાંથી પૃથ્વીની અત્યંત મનમોહક તસવીરો લીધી છે. વર્ષ 1972ના એપોલો મિશન બાદ આ પ્રથમ વખત છે જ્યારે મનુષ્યો ચંદ્રની આટલી નજીક જઈ રહ્યા છે.
ચંદ્ર તરફ આગળ વધી રહેલા ઓરિયન સ્પેસક્રાફ્ટમાં સવાર અવકાશયાત્રીઓએ હાલમાં પૃથ્વીથી લગભગ 1.8 લાખ કિલોમીટરના અંતરેથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લીધા છે. આ તસવીરોમાં આપણી પૃથ્વી વાદળી રંગના ગોળા જેવી અત્યંત સુંદર દેખાઈ રહી છે, જેના પર સફેદ વાદળોની ચાદર પથરાયેલી જોવા મળે છે. મિશનમાં સામેલ 3 અમેરિકન અને 1 કેનેડિયન અવકાશયાત્રીઓ અત્યારે ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા છે અને હજુ તેમણે 2.4 લાખ કિલોમીટરની મુસાફરી બાકી છે. આ મિશન આગામી 6 એપ્રિલ સુધીમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચે તેવી શક્યતા છે.
પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ પ્રયાણ
ગઈકાલે ભારતીય સમય અનુસાર સવારે 5:19 વાગ્યે ઓરિયન કેપ્સ્યુલે તેના શક્તિશાળી થ્રસ્ટર્સ ફાયર કર્યા હતા અને પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી હતી. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને 'ટ્રાન્સલુનર ઇન્જેક્શન બર્ન' કહેવામાં આવે છે. આ મેન્યુવર લગભગ 6 મિનિટ સુધી ચાલ્યું હતું, જેના કારણે સ્પેસક્રાફ્ટની ગતિ વધીને અંદાજે 34,000 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. હવે આ મિશન એવા અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રવેશશે જ્યાં અત્યાર સુધી દુનિયાના માત્ર 24 મનુષ્યો જ પહોંચી શક્યા છે.
મિશનનો આગામી પડાવ: 50 મિનિટનો સંપર્ક વિચ્છેદ
આગામી પાંચમા દિવસે સ્પેસક્રાફ્ટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. છઠ્ઠા દિવસે જ્યારે ઓરિયન ચંદ્રની સપાટીથી માત્ર 6,400 કિમી ઉપરથી પસાર થશે, ત્યારે અવકાશયાત્રીઓ ચંદ્રના એવા ભાગને નિહાળશે જે પૃથ્વી પરથી ક્યારેય દેખાતો નથી. આ દરમિયાન એક મોટો પડકાર 'કોમ્યુનિકેશન બ્લેકઆઉટ'નો રહેશે. જ્યારે યાન ચંદ્રની પાછળ જશે, ત્યારે લગભગ 50 મિનિટ સુધી પૃથ્વી સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ જશે. આ મિશન 1970માં એપોલો-13 દ્વારા સ્થાપિત 4,00,171 કિમીના અંતરનો રેકોર્ડ તોડીને પૃથ્વીથી 4,02,336 કિમી દૂર જઈને નવો કીર્તિમાન સ્થાપશે.
આ પણ વાંચો: જાણવા જેવું : દુનિયાના એવા 36 દેશો જ્યાં એક પણ સૈનિક ન હોવા છતાં કોઈની હિંમત નથી હુમલો કરવાની!
આર્ટેમિસ-2 ના 4 જાંબાઝ અવકાશયાત્રીઓ
આ ઐતિહાસિક મિશનનું નેતૃત્વ 50 વર્ષીય કમાન્ડર રીડ વાઇસમેન કરી રહ્યા છે, જેઓ પૂર્વ નેવી પાઈલટ છે. તેમની સાથે પાઈલટ તરીકે 49 વર્ષીય વિક્ટર ગ્લોવર છે, જેઓ ચંદ્રની મુલાકાતે જનારા પ્રથમ અશ્વેત અવકાશયાત્રી બનશે. મિશન એક્સપર્ટ તરીકે 47 વર્ષીય એન્જિનિયર ક્રિસ્ટીના કોચ છે, જે ચંદ્ર સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા બનશે. આ ટીમમાં કેનેડાના 50 વર્ષીય જેરમી હેનસેન પણ સામેલ છે, જેઓ ચંદ્રની મુલાકાત લેનારા પ્રથમ બિન-અમેરિકન નાગરિક હશે.





