Global Security: વર્તમાન સમયમાં જ્યારે મિસાઈલ અને ટેન્કોના અવાજથી દુનિયા ધ્રૂજી રહી છે, ત્યારે સેના વગર રહેવાનો વિચાર જોખમી લાગે છે. જોકે, આ 36 દેશોએ શસ્ત્રો પાછળ અબજો રૂપિયા ખર્ચવાને બદલે વિશ્વની મહાસત્તાઓ સાથે સંરક્ષણ સમજૂતીઓ (Defense Agreements) કરી છે. કેટલાક દેશોએ તો પોતાના બંધારણમાં જ સેના ન રાખવાનો ઉલ્લેખ કર્યો છે. આ દેશોની સુરક્ષાની જવાબદારી પાડોશી શક્તિશાળી રાષ્ટ્રો અથવા આંતરરાષ્ટ્રીય સંગઠનો સંભાળે છે.
ઉદાહરણ તરીકે, વેટિકન સિટીની સુરક્ષાની જવાબદારી ઇટાલીની છે, જ્યારે ભારત હંમેશા ભૂટાન અને મોરેશિયસના રક્ષણ માટે તૈયાર રહે છે. તેવી જ રીતે ફ્રાન્સે મોનાકોની જવાબદારી લીધી છે. આઇસલેન્ડ જેવા દેશો પાસે સેના નથી પરંતુ તે 'નાટો' (NATO) ના સભ્ય હોવાથી વિશ્વના 30 થી વધુ શક્તિશાળી દેશો તેને રક્ષણ પૂરું પાડે છે.
આશ્રિત પ્રદેશો અને સ્પેશિયલ પોલીસ ફોર્સ
આ યાદીમાં સમાવિષ્ટ ઘણા નામો સંપૂર્ણપણે સ્વતંત્ર દેશો નથી પરંતુ મોટા રાષ્ટ્રોના "ઓવરસીઝ ટેરીટરી" છે. જેમ કે, ગ્રીનલેન્ડની સુરક્ષા ડેનમાર્ક સંભાળે છે અને જિબ્રાલ્ટર કે બર્મુડાની જવાબદારી યુનાઇટેડ કિંગડમ (UK) ની છે. આ પ્રદેશોને સૈન્ય બજેટની ચિંતા કરવાની જરૂર રહેતી નથી કારણ કે તેમના માતૃદેશો તેમની રક્ષા કરે છે. બીજી તરફ, કોસ્ટા રિકા અને પનામા જેવા દેશોએ સૈન્ય રાખવાને બદલે તેમના અર્ધલશ્કરી દળો (Paramilitary) અને પોલીસ તંત્રને એટલું મજબૂત બનાવ્યું છે કે તેઓ આંતરિક સુરક્ષા અને સરહદોનું નિરીક્ષણ સરળતાથી કરી શકે છે. કોસ્ટા રિકાએ તો 1948 માં જ સેના સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી હતી.
વિશ્વના 36 નિઃશસ્ત્ર દેશો અને તેમના રક્ષકો
આ દેશો પોતાની સુરક્ષા માટે જે-તે મહાસત્તાઓ પર નિર્ભર છે:
દેશ/પ્રદેશ | સુરક્ષાની જવાબદારી કોની? |
ભૂટાન, મોરેશિયસ | ભારત |
વેટિકન સિટી, સાન મેરિનો | ઇટાલી |
મોનાકો, ન્યુ કેલેડોનિયા | ફ્રાન્સ |
ગ્રીનલેન્ડ, ફેરો આઇલેન્ડ્સ | ડેનમાર્ક |
આઇસલેન્ડ | નાટો (NATO) |
માર્શલ આઇલેન્ડ્સ, પલાઉ, પ્યુર્ટો રિકો | યુનાઇટેડ સ્ટેટ્સ (USA) |
કેમેન આઇલેન્ડ, જિબ્રાલ્ટર, ફોકલેન્ડ | યુનાઇટેડ કિંગડમ (UK) |
સમોઆ, નીયુ | ન્યુઝીલેન્ડ |
હોંગકોંગ, મકાઉ | ચીન |
અરુબા, સિન્ટ માર્ટન | નેધરલેન્ડ |
લિક્ટેંસ્ટીન | સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા |
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આ દેશો પર અસર
શું આ નિઃશસ્ત્ર દેશો સુરક્ષિત રહેશે? ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ જો વૈશ્વિક યુદ્ધમાં ફેરવાય અને તેમાં અમેરિકા સીધું સામેલ થાય, તો જે દેશોના સંરક્ષણની ગેરંટી અમેરિકાએ આપી છે (જેમ કે પલાઉ કે માર્શલ આઇલેન્ડ્સ), તેમની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ શકે છે. આ ઉપરાંત, યુદ્ધને કારણે વધતો ફુગાવો અને ક્રૂડ ઓઈલની અછત આ નાના દેશોના અર્થતંત્ર પર ભારે દબાણ લાવી શકે છે. આજના ગ્લોબલ વિલેજમાં કોઈ પણ દેશ યુદ્ધની અસરોથી સંપૂર્ણપણે અછૂતો રહી શકે તેમ નથી.





