અમદાવાદના કાગડાપીઠમાં કંટોડિયાવાસમાં યુવકના ઘરે મહેમાન આવ્યા હતા તે સમયે એક શખ્સ ઘર આગળ બિભત્સ ગાળો બોલતો હતો. જેથી યુવકના ભાઇએ શખ્સને ત્યાંથી જતુ રહેવાનું જણાવ્યુ હતુ. તેની અદાવત રાખીને શખ્સ અન્ય ત્રણ લોકો સાથે હાથમાં છરી, પાઇપ અને દંડા લઇ આવીને માતા-પુત્ર અને બે મહેમાનો પર હથિયારોથી હુમલો કરીને જતા રહ્યા હતા. આ અંગે મહિલાએ ચાર લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
રાયપુર ચુનારાવાસમાં 50 વર્ષીય દક્ષાબેન વાઘેલા પરિવાર સાથે રહે છે. જેમાં તેમના પતિ પ્રતાપભાઇ છુટક મજૂરીકામ કરે છે. ગત 11મેએ રાત્રીના સમયે તેમના પુત્ર અક્ષયની સાસરીમાં પ્રસંગ હોવાથી તેઓ નાના પુત્ર નિકુંજ સાથે કંટોડિયાવાસ ગયા હતા. બાદમાં ત્યાંથી મોડીરાત્રે અક્ષયના ઘર આગળ બેઠા હતા. ત્યારે પાડોશમાં રહેતો નિતીન ચુનારા ચાલીમાં જોરજોરથી બિભત્સ ગાળો બોલતો હતો. ત્યારે અક્ષયના ઘરે મહેમાન આવ્યા હોવાથી નિકુંજે નિતીનને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ હતુ. થોડીવાર બાદ નીતીન, તેનો ભાઇ વિશાલ અને લલ્લો તથા સુજલ હાથમાં પાઇપ, દંડા અને છરી લઇને આવ્યા હતા. બાદમાં ચારેય નિકુંજ અને તેની માતા દક્ષાબેન પર હથિયારોથી હુમલો કર્યો હતો. આ દરમ્યાન બે મહેમાનો વચ્ચે પડતા ચારેય તેમના પર પણ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે દક્ષાબેને ચારેય સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





