આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા 30 જૂનના રોજ ગોલાઘાટની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમના કાફલા પર રાજીવ ભવન નજીક બોટલ ફેંકવામાં આવી હતી. જ્યાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. તેમનો વિરોધ ગોમુખી ડેરી પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ મામલે હતો. જેમાં 90 ગીર ગાયોના વેચાણ અંગે પ્રશ્નો ઉભા થયા છે.
બોટલ કોણે ફેંકી હતી?
જે બોટલ ફેંકવામાં આવી હતી તે સ્પ્રાઈટની હોવાની વિગતો છે, જો કે, જે બોટલથી કોઈને ઈજા થઈ નથી અને કોઈ વાહનને નુકસાન પણ થયું નથી. પરંતુ પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને 5 કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી છે. જેમાં એક ભૂતપૂર્વ બ્લોક પ્રમુખનો પુત્ર હોવાની માહિતી છે. તેમની સામે જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને ફરજમાં અવરોધ લાવવા જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે .
મુખ્યમંત્રી શર્માએ શું કહ્યું?
મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ ઘટનાને હળવાશથી લીધી અને તેને કોંગ્રેસનો "પબ્લિસિટી સ્ટંટ" ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, " જો બોટલ મને વાગી હોત તો સારું થાત" તેમનું માનવું છે કે કોંગ્રેસમાં કોઈ નક્કર વિચારસરણી નથી, તેથી જ તે આવા પગલાં લઈ રહી છે.
કોંગ્રેસનો બચાવ અને આરોપો
કોંગ્રેસે કહ્યું કે, બોટલ ફેંકવી એ પાર્ટીની યોજના નથી પરંતુ કેટલાક લોકોનું વ્યક્તિગત કૃત્ય છે. પરંતુ તેમણે ડેરી પ્રોજેક્ટમાં ગેરરીતિના આરોપોને પુનરાવર્તિત કર્યા છે. કોંગ્રેસે ભાજપ પર રાજ્યની સંપત્તિ વેચવાનો અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે નાટક ગણાવ્યો છે.

_11f1421e-9e67-407a-9764-2d08f624b033.jpg)




