Home National Asaram Seeks Medical Bail Supreme Court Hearing 17 July 2026

આસારામે ફરી સુપ્રીમ કોર્ટમાં લગાવી ગુહાર : ખરાબ તબિયતનો હવાલો આપી માગ્યા જામીન, હવે આ તારીખે થશે સુનાવણી

Asaram Supreme Court Medical Bail
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 14, 2026, 08:25 AM IST

Asaram Supreme Court Medical Bail: નાબાલિગ સાથે દુષ્કર્મના કેસમાં દોષિત ઠરી આજીવન કેદની સજા ભોગવી રહેલા 90 વર્ષીય આસારામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે તેમણે પોતાની ગંભીર તબિયતનો હવાલો આપીને તબીબી આધારે જામીન (મેડિકલ બેલ) આપવા અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ સ્વીકારી છે અને હવે આ મામલે 17 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે. આસારામ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરમાં તેમને અચાનક આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) થયો હતો, જેના કારણે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી અને તેમને જોધપુર સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમના વકીલોનું કહેવું છે કે હાલ તેમની તબિયત અત્યંત નાજુક છે અને તેમને લોહી પણ ચઢાવવું પડ્યું હોવાથી સારવાર માટે જામીન આપવામાં આવે.

વકીલે કોર્ટમાં શું દલીલ કરી?

આસારામ તરફથી વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડૂએ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે 8 જુલાઈના રોજ આસારામને અચાનક આંતરિક રક્તસ્રાવ થયો હતો, ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં એમ્સ, જોધપુરમાં દાખલ કરવામાં આવ્યા હતા. વકીલે દલીલ કરી કે, ડોક્ટરોએ તેમને હાઈ રિસ્ક દર્દી જાહેર કર્યા છે અને તેમની સારવાર દરમિયાન લોહી ચઢાવવાની પણ જરૂર પડી હતી. આ કારણોસર તેમની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી છે.

17 જુલાઈએ થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટે હાલ માત્ર અરજીને સુનાવણી માટે સ્વીકારી છે. કોર્ટે જામીન આપવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. હવે 17 જુલાઈએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ મેડિકલ આધાર પર રાહત આપવી કે નહીં તે અંગે નિર્ણય કરશે. નોંધનીય છે કે, અગાઉ પણ આસારામને સારવાર માટે મેડિકલ આધાર પર અસ્થાયી રાહત આપવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ તેમને ફરી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઝીનત અમન અને અભય દેઓલ : ઉપવાસના 17મા દિવસે સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી, સરકારને ખુલ્લી ચર્ચાની અપીલ

હાઈકોર્ટના નિર્ણયને પણ આપી છે પડકાર

આસારેમે જૂન 2026માં રાજસ્થાન હાઈકોર્ટના મે 2026ના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે 2013ના નાબાલિગ યૌન શોષણ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 376D (સામૂહિક દુષ્કર્મ) અને પોક્સો કાયદાની કેટલીક જોગવાઈઓ હેઠળની સજાને રદ કરી હતી. જોકે, ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ દુષ્કર્મ માટે થયેલી તેમની દોષિત ઠરાવવાની કાર્યવાહી અને આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી. તેથી આસારામ હજુ પણ દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

શું છે સમગ્ર કેસ?

આસારામનું મૂળ નામ આસુમલ સિરુમલાની હરપલાની છે. વર્ષ 2013માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક નાબાલિગ યુવતીએ તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર યુવતી મધ્ય પ્રદેશના છિંદવાડામાં આવેલા આસારામના આશ્રમના હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી. આરોપ હતો કે, આધ્યાત્મિક શક્તિથી સારવાર કરવાના બહાને તેને રાજસ્થાનના જોધપુર નજીક મણાઈ ગામ સ્થિત આશ્રમમાં બોલાવવામાં આવી હતી. ત્યારબાદ 15 ઑગસ્ટ, 2013ની રાત્રે આશ્રમની એક કુટિયામાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

2013માં ધરપકડ, 2018માં આજીવન કેદ

યુવતીના માતા-પિતાએ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તપાસને ધ્યાનમાં રાખીને કેસ જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન પોલીસે 31 ઑગસ્ટ, 2013ના રોજ ઇન્દોર સ્થિત આશ્રમમાંથી આસારામની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ પોક્સો એક્ટ, દુષ્કર્મ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. લાંબી સુનાવણી બાદ 25 એપ્રિલ, 2018ના રોજ જોધપુરની વિશેષ અદાલતે તેમને નાબાલિગ યુવતી પર દુષ્કર્મના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો: માત્ર ચોર જ નહીં, બેદરકાર અધિકારીઓ સામે પણ થઈ શકે કાર્યવાહી! : અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં SITની તપાસ હવે અંતિમ તબક્કામાં

હાલ જોધપુર જેલમાં બંધ છે આસારામ

હાલ આસારામ જોધપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે અનેક વખત ખરાબ તબિયત, હૃદય સંબંધિત સમસ્યાઓ અને અન્ય આરોગ્ય કારણો દર્શાવીને કોર્ટમાં રાહતની માંગ કરી છે. અગાઉ કેટલીક વખત સારવાર માટે તેમને મર્યાદિત સમયની તબીબી રાહત અથવા અસ્થાયી જામીન મળ્યા હતા, પરંતુ તેમની દોષિત ઠરાવવાની કાર્યવાહી કે સજા પર કોઈ અસર થઈ નથી. હવે આંતરિક રક્તસ્રાવ અને ગંભીર આરોગ્ય સ્થિતિનો હવાલો આપીને તેમણે ફરી સુપ્રીમ કોર્ટમાં મેડિકલ બેલની અરજી કરી છે, જેના પર 17 જુલાઈએ મહત્વપૂર્ણ સુનાવણી યોજાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now