Home National Ketan Agarwal Mother Letter Pm Modi Justice Appeal

Ketan Agarwal Case"આવતા મહિને રક્ષાબંધન છે, મારી દીકરીને શું કહું?" : કેતનની માતાએ PM મોદીને લખ્યો ભાવુક પત્ર, પુત્ર માટે કરી ન્યાયની માંગ

Ketan Agarwal
Published by: Suman Dabhi
Last Updated: Jul 14, 2026, 08:43 AM IST

Ketan Agarwal: પુણેમાં કેતન અગ્રવાલની હત્યાને લગભગ એક મહિનો થવા આવ્યો છે, પરંતુ પરિવારના જણાવ્યા મુજબ હજુ સુધી આરોપીઓને સજા મળી નથી. આ કેસમાં કેતનની મંગેતર સિયા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન કેતનની માતા રાખી અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ભાવુક પત્ર લખીને પોતાના પુત્ર માટે ન્યાયની માંગ કરી છે.

તેમણે પત્રમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવા અને કેસમાં ઝડપથી ન્યાય મળે તેવી અપીલ કરી છે.

'ક્યારેય વિચાર્યું નહોતું કે દીકરા માટે તમને પત્ર લખવો પડશે'

પત્રમાં રાખી અગ્રવાલ લખે છે કે તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે તેમને દેશના વડાપ્રધાનને પત્ર લખવો પડશે.

તેમણે લખ્યું કે દરેક માતાની જેમ તેઓ પણ કેતનનું લગ્નજીવન, પરિવાર અને ઉજ્જવળ ભવિષ્ય જોવાના સપના જોતા હતા, પરંતુ તેના બદલે તેમને પોતાના જ સંતાનના અંતિમ સંસ્કાર કરવા પડ્યા.

તેમના શબ્દોમાં, "એક માતા માટે પોતાના બાળકને ગુમાવવાથી મોટું દુઃખ બીજું કંઈ હોઈ શકે નહીં. મારા દીકરાની નિર્દયતાથી હત્યા થઈ અને તેની સાથે મારી આખી દુનિયા પણ ખોવાઈ ગઈ."

'20 દિવસમાં પરિવારની બે પેઢી ગુમાવી'

રાખી અગ્રવાલે પત્રમાં વધુમાં જણાવ્યું કે કેતનના નિધનના માત્ર 20 દિવસ બાદ તેમના સસરાનું પણ અવસાન થયું.

તેમણે લખ્યું કે દાદા પોતાના પૌત્રને ખૂબ પ્રેમ કરતા હતા અને કેતનના મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નહોતા. થોડા જ દિવસોમાં પરિવારે બે પેઢી ગુમાવી દીધી, જેના કારણે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

'મને સહાનુભૂતિ નહીં, માત્ર ન્યાય જોઈએ'

પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે તેઓ કોઈ ખાસ કૃપા કે સહાનુભૂતિ નથી માંગતા, પરંતુ માત્ર ન્યાય માંગે છે.

તેમણે જણાવ્યું કે કેતન હવે ક્યારેય પાછો નહીં આવે, પરંતુ તેની હત્યા કરનારાઓને કાયદા મુજબ કડકમાં કડક સજા મળવી જોઈએ.

સાથે જ તેમણે વડાપ્રધાનને વિનંતી કરી કે તેમના પુત્રનો કેસ માત્ર એક સામાન્ય કેસ ફાઇલ બનીને ન રહી જાય.

વાયરલ વીડિયોમાં માતાનો કરૂણ રોદન

આ દરમિયાન કેતનની માતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાના દીકરાનો ફોટો જોઈને ભાવુક થઈ જાય છે.

તેઓ વીડિયોમાં કહે છે, "મારા દીકરાને કેમ મારી નાખ્યો? તેની શું ભૂલ હતી? આવતા મહિને રક્ષાબંધન છે, હવે તેની બહેન શું કરશે? હું મારી દીકરીને શું જવાબ આપું?"

તેમણે વધુમાં જણાવ્યું કે કેતનના મૃત્યુ બાદ આખો પરિવાર તૂટી ગયો છે અને તેના દાદા-દાદી પણ આ દુઃખ સહન કરી શક્યા નહીં.

આ પણ વાંચો: કેતનના મર્ડર પહેલાં જ સિયાએ ચેતન સાથે કર્યા હતા ગુપ્ત લગ્ન? : WhatsApp ચેટ્સ અને ડિજિટલ પુરાવાથી ખૂલ્યું 4 મહિના જૂના સંબંધનું રહસ્ય!

લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી

માતાએ જણાવ્યું કે કેતનના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને તે પોતાના નવા જીવનને લઈને ખૂબ ઉત્સાહિત હતો.

તેમણે કહ્યું કે ઘટનાના દિવસે પણ કેતન તેમની સાથે સારી રીતે વાત કરીને ગયો હતો અને બંનેએ સાથે જમવાનું પણ લીધું હતું. આજે પણ તેમને લાગે છે કે દીકરો 'મમ્મી' કહીને બોલાવી રહ્યો છે.

તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું કે એક મહિનો વીતી ગયો હોવા છતાં તેઓ આજે પણ પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: સિયા-કેતન કેસની ચર્ચા વચ્ચે મુંબઈમાં વધુ એક ચોંકાવનારો કેસ! : ડિલિવરી બોય પર સગીરા ગર્લફ્રેન્ડને પહાડ પરથી ધક્કો માર્યાનો આરોપ

શું છે સમગ્ર મામલો?

પુણેમાં કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પોલીસે તેની મંગેતર સિયા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. બંને સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. હાલ કેસની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઝડપી તપાસ અને કડક સજાની માંગ

આ કેસે સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે. પીડિત પરિવાર સતત ઝડપી તપાસ અને કડક સજાની માંગ કરી રહ્યો છે. હવે વડાપ્રધાનને લખાયેલા ભાવુક પત્ર બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now