Asaram Bail Rejected: દુષ્કર્મ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા આસારામને સુપ્રીમ કોર્ટમાંથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે તેની સજા સ્થગિત કરવાની માંગ ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ગંભીર આરોગ્ય સંકટની પરિસ્થિતિમાં જ જામીન અંગે વિચારણા કરવામાં આવશે. જોકે, આસારામ દ્વારા રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશની આગેવાની હેઠળની વેકેશન બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આસારામને જેલમાં મળતી તબીબી સુવિધાઓ યથાવત રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સજા સ્થગિત કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આસારામના સ્વાસ્થ્યને ગંભીર જોખમ હોય તેવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય તો જ જામીન અંગે વિચાર કરવામાં આવશે. હાલની સ્થિતિમાં તેની સજા સ્થગિત કરવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. સાથે જ અદાલતે જેલ પ્રશાસનને આસારામને જરૂરી સારવાર અને તબીબી દેખરેખ સતત ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે. જ્યાં બીજી તરફ આસારામેF રાજસ્થાન હાઇકોર્ટના તે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં તેમને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ પાઠવીને પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે રાજ્ય સરકારનો જવાબ મળ્યા બાદ કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
11 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે આસારામ
આસારામ છેલ્લા લગભગ 11 વર્ષથી રાજસ્થાનની જોધપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેની જામીન અરજી અગાઉ અનેક વખત વિવિધ અદાલતો દ્વારા ફગાવી દેવામાં આવી ચૂકી છે. તેની સામે વર્ષ 2013માં સગીરા સાથે દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. આરોપ મુજબ, જોધપુર સ્થિત આશ્રમમાં એક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
સુરતની બે બહેનોએ પણ લગાવ્યા હતા ગંભીર આરોપ
આસારામ સામે માત્ર જોધપુરનો જ નહીં પરંતુ અન્ય કેસો પણ નોંધાયેલા છે. વર્ષ 2001માં સુરતની બે બહેનોએ પણ આશ્રમમાં તેની સાથે દુષ્કર્મ થયાનો આરોપ મૂક્યો હતો, જેના કારણે તેઓ લાંબા સમયથી વિવિધ કાનૂની પ્રક્રિયાઓનો સામનો કરી રહ્યા છે.
જામીન મુદ્દે કોર્ટનું કડક વલણ
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે, ગંભીર ગુનાઓમાં દોષિત ઠરાવવામાં આવેલા આરોપીઓને માત્ર આરોગ્યના આધારે રાહત આપવા બાબતે અદાલત ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લઈ રહી છે. હાલમાં આસારામને કોઈ રાહત આપવામાં આવી નથી અને તેઓ જેલમાં જ રહેશે. આ કેસની આગામી સુનાવણી પર હવે સૌની નજર ટકેલી છે, કારણ કે રાજસ્થાન સરકારના જવાબ બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની શાળાઓમાં હવે મરાઠી શિક્ષણ ફરજિયાત : નિયમ તોડનારને કઈ રીતે ભારે પડી શકે, વાંચો સંપૂર્ણ વિગતો
કોર્ટનું વલણ અને આગામી કાર્યવાહી
સુપ્રીમ કોર્ટના આજના આદેશ બાદ આસારામ માટે જેલમાંથી બહાર આવવાની આશા ફરી એકવાર ધૂંધળી થઈ ગઈ છે. કોર્ટે તબીબી આધાર પર જામીન આપવા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરના પુરાવા કે સ્વાસ્થ્ય જોખમની શરત રાખી છે. હવે રાજસ્થાન સરકાર આ નોટિસના જવાબમાં શું રજૂઆત કરે છે, તેના પર સૌની નજર રહેશે.






