મહારાષ્ટ્રની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 10 સુધી મરાઠી ફરજિયાત, ભંગ કરનારને ₹1 લાખનો દંડ
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ સરકારી, ખાનગી અને અન્ય શૈક્ષણિક બોર્ડ (જેમ કે CBSE, ICSE, IB) સાથે જોડાયેલી શાળાઓમાં ધોરણ 1 થી 10 સુધી મરાઠી ભાષાનું શિક્ષણ અને તેની પરીક્ષાઓ લેવાનું કાયદેસર રીતે ફરજિયાત બનાવ્યું છે. આ નિયમ શિક્ષણના તમામ માધ્યમો (અંગ્રેજી, હિન્દી વગેરે) ની શાળાઓ પર સમાન રીતે લાગુ થશે. જે શાળાઓ આ સરકારી આદેશનું ઉલ્લંઘન કરશે, તેમની સામે ₹1,00,000 સુધીનો દંડ અને શાળાની માન્યતા રદ કરવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે.
વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરના સવાલનો જવાબ આપતા શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "મહારાષ્ટ્ર શાળાઓમાં મરાઠી ભાષાનું ફરજિયાત શિક્ષણ અને અધ્યયન અધિનિયમ, 2020" હેઠળ આ નીતિ ઘડવામાં આવી હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેનું અમલીકરણ કડક રીતે થઈ શક્યું ન હતું. હવે 17 એપ્રિલ, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા નવા સરકારી પ્રસ્તાવ (GR) દ્વારા નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.
નિયમો તોડનાર શાળાઓ સામે બે સ્તરીય કડક એક્શન
સરકારે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે આ નિયમ માત્ર કાગળ પર નહીં રહે. શાળામાં યોગ્ય લાયકાત ધરાવતા મરાઠી શિક્ષકોની નિમણૂક કરવી પડશે અને દરેક ધોરણમાં નિયમિત પરીક્ષાઓ લેવામાં આવશે.
પ્રથમ ભૂલ: નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓને પહેલા નોટિસ આપીને સુધારો કરવાની તક અપાશે. જો તેઓ નિયમ નહીં માને તો ₹1,00,000 સુધીનો આકરો દંડ ફટકારવામાં આવશે.
બીજી ભૂલ: દંડ ભર્યા પછી પણ જો કોઈ શાળા મરાઠી વિષય ભણાવવામાં બેદરકારી દાખવશે, તો સરકાર પાસે તેની શૈક્ષણિક માન્યતા અથવા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) સીધું રદ કરવાની સત્તા રહેશે.
આ નિયમોના કડક અમલીકરણ માટે સમગ્ર રાજ્યમાં વેરિફિકેશન ડ્રાઇવ (ખાસ તપાસ અભિયાન) ચલાવવામાં આવશે. જો કોઈ અધિકારી પણ આ કાયદો લાગુ કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે પણ પગલાં લેવાશે.
રાજ્ય ગીત, ઇતિહાસ અને મરાઠા વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય
ભાષા ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારે શૈક્ષણિક અભ્યાસક્રમ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા છે:
છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ: શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે અન્ય શિક્ષણ બોર્ડના પાઠ્યપુસ્તકોમાં અત્યાર સુધી છત્રપતિ શિવાજી મહારાજ વિશે માત્ર ૧-૨ કોલમની જ માહિતી આપતી હતી. હવે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તેને વિસ્તૃત કરીને 22 પાનાંનો નવો અભ્યાસક્રમ સામેલ કરાયો છે, જેથી વિદ્યાર્થીઓ તેમના ગૌરવશાળી ઇતિહાસને ઊંડાણપૂર્વક સમજી શકે.
રાજ્ય ગીતનું સન્માન: રાષ્ટ્રગીતની જેમ જ શાળાઓમાં રાજ્ય ગીત "જય જય મહારાષ્ટ્ર માઝા" આદરપૂર્વક ગાવાની સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને આર્થિક મદદ: મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે સુવિધાઓ વધારવામાં આવી છે. તેમને વિવિધ શિષ્યવૃત્તિઓ (Scholarships), વ્યાવસાયિક કોર્સ માટે ફીમાં રાહત અને રાજ્યની બહાર ઉચ્ચ અભ્યાસ કરવા માટે ખાસ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.





