Ketan Agarwal Murder Case : પુણેમાં 18 જૂને બનેલા કેતન અગ્રવાલ હત્યા કેસે સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી ઘટના હવે એક સુનિયોજિત હત્યાકાંડ તરીકે સામે આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ મિત્ર ચેતન ચૌધરીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ્સ અનુસાર, આ કેસ માત્ર પ્રેમ સંબંધો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં આર્થિક લાભ, વૈભવી જીવન જીવવાના સપના અને ભવિષ્યની યોજનાઓ જેવા અનેક પરિબળો જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પુણે ગ્રામિણ પોલીસની તપાસ મુજબ કેતન અગ્રવાલનું મોત શરૂઆતમાં ટ્રેકિંગ દરમિયાન થયેલો અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે પરિવારની શંકા, સીસીટીવી ફૂટેજ, મોબાઇલ કોલ ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે કેસે નાટકીય વળાંક લીધો અને તેને હત્યાના કેસ તરીકે નોંધવામાં આવ્યો.
આ પણ વાંચોઃ Ketan Agarwal Case કેતન હત્યાકાંડમાં સિયા અને ચેતનને આ 3 ભૂલ ભારે પડી : જાણો કયા 3 મજબૂત પુરાવાથી તપાસ એજન્સીને મળી મહત્ત્વની કડી
લગ્ન પછી રાજસ્થાનમાં વસવાટ કરવાની યોજના
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર સિયા ગોયલ અને ચેતન ચૌધરી લાંબા સમયથી સંપર્કમાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને ભવિષ્યમાં લગ્ન કરીને રાજસ્થાનના ઉદયપુર અથવા જોધપુર જેવા શહેરોમાં સ્થાયી થવાની ચર્ચા કરતા હતા. નવા જીવનની શરૂઆત માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત હતી અને આ રૂપિયા લાવવાની જવાબદારી સિયાની હતી. સિયા તેના પરિવાર પાસેથી અથવા કેતન સાથે સગાઈના બહાને આ આર્થિક વ્યવસ્થા કરવાની હતી, જે અંગે ચેતનના મિત્રોએ પણ ખુલાસા કર્યા છે. જોકે આ સંબંધિત તમામ મુદ્દાઓ હજુ પોલીસ તપાસ હેઠળ છે.
આ પણ ખાસ વાંચો : કેતન અગ્રવાલ હત્યા કેસમાં ચેતન ચૌધરીનું થશે ગેઇટ એનાલિસિસ : લોહગઢ કિલ્લે ફરી રચાશે સમગ્ર ઘટનાક્રમ
કોલેજના દિવસોથી શરૂ થયેલો પરિચય
ચેતન ચૌધરી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું જણાવવામાં આવે છે. પુણેમાં રહેતા દરમિયાન તેની ઓળખાણ સિયાના પરિવાર સાથે થઈ હતી. પરિવારજનો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સિયાના ભાઈ અને ચેતન વચ્ચે મિત્રતા હતી, જેના કારણે સિયા અને ચેતન વચ્ચે પણ સંપર્ક વધ્યો હતો. પોલીસને મળેલા કોલ રેકોર્ડ્સમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન બંને વચ્ચે હજારો વખત વાતચીત થયાનું જાણવા મળ્યું છે. તપાસમાં આ ફોન કોલ્સ અને મેસેજિસને મહત્વના પુરાવા તરીકે જોવામાં આવી રહ્યા છે.
લોહગઢ કિલ્લા સાથે જોડાયેલા અગાઉના પ્રયાસોની તપાસ
તપાસ દરમિયાન એક મહત્વની બાબત એ પણ સામે આવી છે કે કેતન અગ્રવાલને ટ્રેકિંગનો ભારે શોખ હતો અને તે અવારનવાર લોહગઢ કિલ્લા વિસ્તારમાં જતો હતો. પોલીસ દાવા મુજબ 18 જૂનની ઘટના પહેલાં પણ કેતનને આ સ્થળે લઈ જવાના પ્રયાસો થયા હતા. કેટલાક મીડિયા અહેવાલો મુજબ 31 મે અને ત્યારબાદ જૂન મહિનાની શરૂઆતમાં પણ લોહગઢ વિસ્તાર સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ બની હતી. એક પ્રસંગે કેતન ખીણ તરફ સરક્યો હોવાની ઘટના બની હતી, જેને તે સમયે સામાન્ય અકસ્માત તરીકે જોવામાં આવી હતી. જોકે હવે પોલીસ આ સમગ્ર ઘટનાક્રમને ફરીથી તપાસી રહી છે. તપાસમાં બાલી પ્રવાસ રદ થવો અને કેતનનો પાસપોર્ટ ગુમ થવા જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે. પોલીસ હાલમાં આ તમામ બાબતો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.
18 જૂનની ઘટના અને હત્યાના આરોપ
પોલીસના આરોપ મુજબ 18 જૂને કેતન અગ્રવાલને જન્મદિવસની ઉજવણી અને ફોટોશૂટના બહાને ફરી એકવાર લોહગઢ કિલ્લા વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળે સિયા ઉપરાંત ચેતન પણ હાજર હતો. પોલીસનું કહેવું છે કે ત્યાંથી કેતનને ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આરોપીઓએ શરૂઆતમાં ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં એકત્ર થયેલા પુરાવાઓએ તપાસને નવી દિશા આપી.
આ પણ ખાસ વાંચો : કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વિવાદ : સિયા ગોયલના વકીલે ભાઈ સામે 10 કરોડના માનહાનિ કેસની આપી ચેતવણી
ત્રણ મુખ્ય પુરાવાઓએ બદલ્યો કેસનો રૂખ
પોલીસ તપાસમાં ત્રણ મહત્વના પુરાવાઓને કેસમાં નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. પ્રથમ, પરિવારજનો સાથેની વાતચીત દરમિયાન સિયાના વર્તનમાં થયેલા ફેરફારોથી શંકા વધુ મજબૂત બની હતી. બીજું મહત્વનું પુરાવું સીસીટીવી ફૂટેજ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર ગરમીના સમયમાં પણ ચહેરો ઢાંકીને અને હુડી પહેરીને ફરતા એક વ્યક્તિની ઓળખ ચેતન ચૌધરી તરીકે કરવામાં આવી છે. તપાસમાં એવો પણ દાવો થયો છે કે તેણે બાદમાં પોતાના કપડાં બદલી નાખ્યા હતા. ત્રીજું અને સૌથી મહત્વનું પુરાવું કોલ ડિટેલ રેકોર્ડ્સ હોવાનું માનવામાં આવે છે. પોલીસ અનુસાર બંને આરોપીઓ વચ્ચે લાંબા સમય સુધી સતત સંપર્ક રહ્યો હતો અને હજારો કોલ્સની વિગતો તપાસ હેઠળ છે. આ ડિજિટલ પુરાવાઓએ કેસને અકસ્માતમાંથી હત્યાના કેસમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
માર્કેટ યાર્ડ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
આ ઘટનાના પગલે પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં પણ તણાવનો માહોલ સર્જાયો છે. સ્થાનિક વેપારીઓએ કેતન અગ્રવાલને ન્યાય મળે તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. વિસ્તારમાં સુરક્ષાની દૃષ્ટિએ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. સ્થાનિક સમાજના આગેવાનો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે આ કેસને વ્યક્તિગત ગુનાકીય ઘટનાના રૂપમાં જોવો જોઈએ અને સમગ્ર સમાજને તેના માટે જવાબદાર ગણવું યોગ્ય નથી. હાલમાં પોલીસ શાંતિ જાળવવા સતત દેખરેખ રાખી રહી છે. આ કેસમાં પોલીસ તપાસ હજુ ચાલુ છે અને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તપાસ એજન્સીઓ નાણાકીય વ્યવહારો, ડિજિટલ પુરાવાઓ અને અન્ય સંભવિત પાસાઓની પણ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





