Home National Bangladesh President Shahabuddin Power Balance Sheikh Hasina Yunus Bnp

હસીના ગઈ, યુનુસ આવ્યા, હવે રહમાનનું રાજ! : છતાં શહાબુદ્દીન કેમ અડીખમ? જાણો કોણ બચાવી રહ્યું છે

Bangladesh President Shahabuddin Politics
Image Credit: newsonair
Published by: Nirali Gohil
Last Updated: Jun 30, 2026, 12:17 PM IST

બાંગ્લાદેશની રાજનીતિ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે. શેખ હસીનાની સત્તા, વિદ્યાર્થી આંદોલન, મુહમ્મદ યુનુસની અંતરિમ સરકાર અને ત્યારબાદ તારિક રહમાનના નેતૃત્વ હેઠળની નવી સરકાર વચ્ચે સત્તાના સમીકરણો સતત બદલાતા રહ્યા છે. જોકે આ તમામ રાજકીય પરિવર્તનો વચ્ચે એક વ્યક્તિ એવી છે જે સતત સત્તાના કેન્દ્રમાં યથાવત રહી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન. એક સમય શેખ હસીનાના વિશ્વાસુ માનાતા શહાબુદ્દીન આજે પણ રાષ્ટ્રપતિ પદ પર યથાવત છે. તેમના આ રાજકીય પ્રવાસને હવે બાંગ્લાદેશની રાજનીતિમાં સત્તા સંતુલન, વ્યૂહરચના અને રાજકીય વ્યવહારિકતાનું જીવંત ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, વિરોધ પક્ષ જમાત-એ-ઇસ્લામી સતત તેમને પદ પરથી હટાવવાની માંગ ઉઠાવી રહ્યું છે.

સ્વતંત્રતા સેનાનીથી રાષ્ટ્રપતિ સુધીની સફર

મોહમ્મદ શહાબુદ્દીન બાંગ્લાદેશના 1971ના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા રહ્યા હતા. વિદ્યાર્થી નેતા તરીકે તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. તેમના રાજકીય જીવનની શરૂઆત પણ અવામી લીગ સાથે જ થઈ હતી. શેખ મુજીબુર રહમાને તેમને કૃષક શ્રમિક અવામી લીગના જિલ્લા સંયુક્ત સચિવ તરીકે જવાબદારી સોંપી હતી. મુજીબુર રહમાનની હત્યા બાદ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે રાજકારણથી થોડો સમય અંતર રાખીને વકીલાત, ન્યાયિક સેવા અને ભ્રષ્ટાચાર વિરોધી આયોગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. વર્ષ 2020માં તેઓ અવામી લીગની સલાહકાર સમિતિમાં સામેલ થયા હતા.

શેખ હસીનાના સૌથી વિશ્વાસુ માનાતા નેતા

વર્ષ 2023માં શેખ હસીના સરકારે મોહમ્મદ શહાબુદ્દીનને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. વિરોધ વિના તેઓ બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ નિર્ણય શેખ હસીના અને તેમની બહેન શેખ રેહાનાની વ્યક્તિગત પસંદગી હતો. શહાબુદ્દીનને એક અનુભવી, વફાદાર અને વિવાદોથી દૂર રહેલા નેતા તરીકે જોવામાં આવતા હતા. તેમની નિમણૂકથી હસીના સરકારે બંધારણીય સ્તરે વધુ મજબૂત પાયો મેળવ્યો હતો.

આ પણ વાંચો: હવે 20 મિનિટમાં એમ્બ્યુલન્સ નહીં પહોંચે તો થશે કાર્યવાહી! : સરકારે જાહેર કરી NAS 2026 ગાઇડલાઇન, જાણો નવા નિયમો

યુનુસ સરકાર માટે કેમ બન્યા મજબૂરી?

ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીના દેશ છોડીને ભારત પહોંચી ગયા હતા અને ત્યારબાદ મુહમ્મદ યુનુસ અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર બન્યા હતા. આ રાજકીય પરિવર્તન દરમિયાન મોહમ્મદ શહાબુદ્દીન દેશના એકમાત્ર બંધારણીય વડા તરીકે યથાવત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક સંગઠનોએ તેમના રાજીનામાની માંગણી કરી હતી, પરંતુ તેમને પદ પરથી દૂર કરવામાં સફળતા મળી નહોતી. અહેવાલો અનુસાર, યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન શહાબુદ્દીને પોતાને અવગણાયેલા અનુભવ્યા હતા. તેમણે એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યુનુસ સરકારે મહિનાઓ સુધી તેમની સાથે મુલાકાત કરી નહોતી અને તેમના સત્તાવાર સંચાર વિભાગમાં પણ ફેરફારો કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ પદ પર યથાવત રહ્યા કારણ કે રાષ્ટ્રપતિનું પદ ખાલી થવાથી બંધારણીય સંકટ સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી.

સેનાનું સમર્થન અને રાજકીય સંતુલન

શેખ હસીનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન દરમિયાન તેમના નજીકના સહયોગીઓ રાજકીય નિશાના પર હતા. તે સમય દરમિયાન બાંગ્લાદેશના સેનાપ્રમુખ વાકર-ઉઝ-જમાન દ્વારા શહાબુદ્દીનને સમર્થન મળ્યું હોવાનું કહેવાય છે.

વિશ્લેષકોના મતે સેનાનું સમર્થન અને બંધારણીય વ્યવસ્થાની આવશ્યકતા બંનેએ શહાબુદ્દીનને પદ પર ટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તારિક રહમાન સરકારમાં પણ જાળવી રાખ્યો પ્રભાવ

ફેબ્રુઆરી 2026માં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ને મોટી જીત મળી હતી અને તારિક રહમાનના નેતૃત્વ હેઠળ નવી સરકાર સત્તામાં આવી હતી. મોહમ્મદ શહાબુદ્દીને તારિક રહમાનને વડાપ્રધાન પદની શપથ અપાવી હતી. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે શહાબુદ્દીને પોતાની ભૂમિકા એવી રીતે નિભાવી છે કે નવી સરકારે પણ તેમને કોઈ રાજકીય જોખમ તરીકે નથી જોયા. તેમણે અગાઉ સંકેત આપ્યો હતો કે, ચૂંટણી બાદ તેઓ રાજીનામું આપી શકે છે, પરંતુ હજુ સુધી તેઓ પદ પર યથાવત છે.

આ પણ વાંચો: એક મહિના સુધી નહીં ખૂટે પેટ્રોલ-ડીઝલ, મોદી સરકારનો મહાપ્લાન શું છે? : વૈશ્વિક યુદ્ધ અને તેલ સંકટ વચ્ચે ભારત બનાવી રહ્યું છે વિશાળ ઇમરજન્સી રિઝર્વ

જમાત-એ-ઇસ્લામીના ગંભીર આરોપ

વિપક્ષી જમાત-એ-ઇસ્લામી સતત શહાબુદ્દીનને પદ પરથી હટાવવાની માંગ કરી રહી છે. પક્ષનો આરોપ છે કે BNP સરકાર ઇરાદાપૂર્વક તેમને હટાવી રહી નથી અને તેમના માધ્યમથી અવામી લીગને ફરી રાજકીય મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જમાત શહાબુદ્દીનને હજુ પણ શેખ હસીનાના રાજકીય પ્રભાવના પ્રતીક તરીકે જુએ છે અને તેમના પદ પર યથાવત રહેવા સામે વાંધો ઉઠાવી રહી છે.

બાંગ્લાદેશની રાજનીતિનું પ્રતિબિંબ

મોહમ્મદ શહાબુદ્દીનની રાજકીય સફર બાંગ્લાદેશની જટિલ રાજનીતિનું પ્રતિબિંબ માનવામાં આવે છે. સ્વતંત્રતા સેનાનીથી લઈને શેખ હસીનાના વિશ્વાસુ નેતા, યુનુસ સરકારની મજબૂરી અને હવે તારિક રહમાન સરકારમાં પણ ટકી રહેલા બંધારણીય વડા તરીકેની તેમની ભૂમિકા રાજકીય વ્યૂહરચના અને સત્તા સંતુલનની રસપ્રદ કહાની રજૂ કરે છે. બાંગ્લાદેશની બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે હવે સૌની નજર એ બાબત પર ટકેલી છે કે મોહમ્મદ શહાબુદ્દીન ખરેખર રાજીનામું આપે છે કે પછી તેઓ આગામી સમયમાં પણ દેશના રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now