Home Gujarat Arrest Man From Amreli Who Came To India On Fake Portuguese Passport Scandal Broke Out In The Investigation Of Migration Officials

ઓળખ બદલી વિદેશ સેટલ થવાનું મોટું સ્કેમ પકડાયું : પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના શખ્સની ધરપકડ, ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો

ઓળખ બદલી વિદેશ સેટલ થવાનું મોટું સ્કેમ પકડાયું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 10:48 AM IST

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોક્યુમેન્ટ ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિદેશમાં સ્થાયી થવાના ઘેલછામાં આ શખ્સે પોતાની અસલી ઓળખ છુપાવી 'કલ્પેશકુમાર' નામ ધારણ કરીને તમામ દસ્તાવેજો બનાવ્યા હતા. જોકે, સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓની બાજ નજર અને કડક પૂછપરછમાં આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૌભાંડ ખુલ્લું પડી ગયું હતું.

મૂળ અમરેલીના ધારી તાલુકાના વતની અને હાલ સુરતના સરથાણામાં રહેતા 49 વર્ષીય ભાવેશ ધીરુભાઈ બોરડે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. તેણે પોર્ટુગલની નાગરિકતા મેળવવા માટે 'બામણિયા કલ્પેશકુમાર રતિલાલ' નામે નકલી દસ્તાવેજો અને જામીનગીરીઓ ઊભી કરી હતી. 2 માર્ચ 2026ના રોજ જ્યારે તે સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેને અંદાજો પણ નહોતો કે તેની આ 'સ્માર્ટ' ચાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. ડુમસ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે ફૂટ્યો ભાંડો? એરપોર્ટ પર ઈમિગ્રેશનની સતર્કતા

ઘટનાની વિગતો મુજબ, આરોપી ભાવેશ બોરડ સુરત એરપોર્ટના ઇન્ટરનેશનલ અરાઈવલ એરિયામાં પહોંચીને ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે લાઈનમાં ઊભો હતો. જ્યારે તેના પોર્ટુગીઝ પાસપોર્ટ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે અધિકારીઓને તેની વાણી-વર્તન અને દસ્તાવેજોની ગુણવત્તા પર શંકા ગઈ હતી. સઘન ક્રોસ વેરીફિકેશનમાં બહાર આવ્યું કે, તેણે પોર્ટુગલ સરકારની કચેરીઓમાં પણ બોગસ પુરાવા રજૂ કરીને નાગરિકતા મેળવી લીધી હતી, જે ભારતની સુરક્ષા એજન્સીઓ માટે એક ગંભીર પડકાર સાબિત થયો છે.

ઈ-ટુરિસ્ટ વિઝાનો સહારો લઈ સુરક્ષા એજન્સીઓને છેતરી

તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે ભાવેશે માત્ર પાસપોર્ટ જ નહીં, પણ ભારતમાં પ્રવેશવા માટે વિઝા મેળવવામાં પણ છેતરપિંડી કરી હતી. તેણે કાલ્પેશકુમાર બામણિયાના નામે ઈ-ટુરિસ્ટ વિઝા મેળવ્યા હતા. આ નકલી ઓળખ સાથે તેણે અગાઉ મુંબઈ એરપોર્ટનો પણ ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. આ રીતે નકલી નાગરિક બનીને ભારતમાં પ્રવેશવું એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સમાન ગણાય છે, જેના કારણે સુરત પોલીસ હવે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ કરી રહી છે.

નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પ્રથમ મહત્વની કાર્યવાહી

સુરત પોલીસે આ કેસમાં કડક વલણ અપનાવતા નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો તેમજ 'ધી પાસપોર્ટ એક્ટ, 1969' ની કલમ 12(1)(બી) મુજબ ગુનો દાખલ કર્યો છે. છેતરપિંડી, ઓળખ બદલવી અને બનાવટી દસ્તાવેજો બનાવવા જેવા ગંભીર ગુનાઓ હેઠળ સુરત પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. ઈમિગ્રેશન અધિકારી સુંદરાગીરી ચંદનગીરીની ફરિયાદના આધારે ડુમસ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે.

એજન્ટોનું મોટું નેટવર્ક હોવાની આશંકા

હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે, અમરેલીનો એક સામાન્ય શખ્સ ગુજરાતમાં બેસીને પોર્ટુગલ જેવા દેશના બોગસ દસ્તાવેજો કેવી રીતે મેનેજ કરી શક્યો? પોલીસને શંકા છે કે આ કૌભાંડ પાછળ આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ એજન્ટોનું કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે. હાલમાં આરોપી ભાવેશ બોરડના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય એજન્ટો અને સહયોગીઓ સુધી પહોંચી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now