ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે રણ વિસ્તારમાં કોણાર્ક કોર્પ્સના ફ્રન્ટિયર એરિયા લોંગેવાલાની મુલાકાત લીધી હતી અને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન સૈનિકોની પ્રશંસનીય ભૂમિકા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે, તેમણે ભારતીય વાયુસેના અને સીમા સુરક્ષા દળ સાથે સંકલનમાં થયેલી સંયુક્ત કાર્યવાહીની પણ સમીક્ષા કરી.
જ્યારે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સુરતગઢ અને નલિયા એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. "સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સુરતગઢ મિલિટરી સ્ટેશન અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી, જે આગળના વિસ્તારમાં બે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લશ્કરી મથકો છે. સીડીએસે ઓપરેશન સિંદૂર દરમિયાન દુશ્મનના ખતરાને નિષ્ક્રિય કરવામાં સૈનિકોની અદમ્ય હિંમતની પ્રશંસા કરી.
સૈનિકોએ સીડીએસ અને અન્ય અધિકારીઓને ઓપરેશનમાં તૈનાત નવી અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિશે માહિતી આપી. જનરલ ચૌહાણે વરિષ્ઠ આર્મી કમાન્ડરો સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ પણ કરી.
જનરલ ચૌહાણે ઓપરેશનના સક્રિય તબક્કા દરમિયાન સૈનિકોની અસાધારણ બહાદુરીની પ્રશંસા કરી. તેમણે ભવિષ્યના જોખમોનો અસરકારક રીતે જવાબ આપવાની તેમની ક્ષમતા પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો.
રણમાં સેના, વાયુસેના અને બીએસએફનો કૉઓર્ડિનેટેડ રિસ્પૉન્સ
ઓપરેશન સિંદૂર દરમિયાન, જ્યારે પાકિસ્તાને સતત ડ્રોન હુમલાઓ શરૂ કર્યા, ત્યારે સેના, વાયુસેના અને બીએસએફએ જેસલમેરથી કચ્છ ક્ષેત્ર સુધી ફેલાયેલા રણમાં સંકલિત જવાબ આપ્યો અને દુશ્મનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પશ્ચિમી સરહદ પર સંપૂર્ણ પ્રભુત્વ જાળવી રાખ્યું. 'ઓપરેશન સિંદૂર' હેઠળ, ભારતીય સેનાએ ઝડપથી તેની સર્વેલન્સ સંપત્તિઓ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તૈનાત કરી અને વાયુસેના અને બીએસએફ સાથે સંકલનમાં કામ કર્યું.
ભારતીય સેનાના કોણાર્ક કોર્પ્સ વિસ્તારમાં આવતા લોંગેવાલામાં સૈનિકો સાથે વાતચીત કરતી વખતે, જનરલ દ્વિવેદીએ તેમની હિંમત, અતૂટ સમર્પણ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. તેમણે દુશ્મનના ડ્રોન ઘૂસણખોરીને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવા બદલ સૈનિકોની પ્રશંસા કરી.






