Aravalli Politics: અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રાજ્યના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી મનોજ નિનામા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા અને જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં તેમણે કેસરીયો ધારણ કર્યો હતો. નોંધનીય છે કે, મનોજ નિનામાએ તાજેતરમાં જ પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક રાજીનામું (VRS) આપીને જાહેર જીવનમાં આવવાનો નિર્ણય કર્યો હતો, જેના પર આજે મહોર વાગી ગઈ છે.
મનોજ નિનામાની ગણના એક શિસ્તબદ્ધ અને બાહોશ અધિકારી તરીકે થતી હતી. સર્વિસના બાકીના વર્ષો છોડીને તેમણે લોકોની સેવા કરવાના હેતુથી સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. શામળાજી જેવા પવિત્ર સ્થળેથી તેમણે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે, જે આગામી ચૂંટણીઓમાં અરવલ્લી અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં ભાજપ માટે મજબૂત પક્ષ સાબિત થઈ શકે છે.
ખાખી છોડીને કેમ પસંદ કરી ખાદી?
મનોજ નિનામાએ પોલીસ દળમાં લાંબો સમય સેવા આપ્યા બાદ જ્યારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું ત્યારે જ અટકળો તેજ થઈ હતી કે તેઓ ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરશે. આજે ભાજપમાં જોડાતી વખતે તેમણે સંકેત આપ્યો હતો કે વહીવટી તંત્રમાં રહીને જે કામગીરી કરી છે, હવે તેને રાજકીય મંચ પરથી લોકોના ઉત્થાન માટે આગળ વધારવી છે. પી.સી. બરંડા, જેઓ પોતે પણ પૂર્વ પોલીસ અધિકારી છે, તેમણે નિનામાને આવકારતા જણાવ્યું હતું કે તેમના આવવાથી પક્ષના સંગઠનને નવી મજબૂતી મળશે.
આ પણ વાંચો: રાજુ કરપડાએ ધારણ કર્યા 'કેસરિયા' : AAP ના પૂર્વ નેતા કમલમ ખાતે ભાજપમાં જોડાયા
પૂર્વ IPS સાથે અન્ય 10 અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા
માત્ર મનોજ નિનામા જ નહીં, પરંતુ તેમની સાથે અન્ય 10 જેટલા સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનોએ પણ ભાજપની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરીને કેસરીયો ધારણ કર્યો છે. આ સામુહિક પક્ષપલટાને કારણે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષોના ગઢમાં ગાબડું પડ્યું હોવાનું મનાય છે. મનોજ નિનામાના જોડાવાથી ભાજપને વહીવટી અને સામાજિક એમ બંને મોરચે ફાયદો થવાની અપેક્ષા છે.
શામળાજી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ એક્શન મોડમાં છે. શામળાજી ખાતે ભવ્ય રીતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલય આગામી દિવસોમાં જિલ્લાની ચૂંટણીલક્ષી રણનીતિઓનું મુખ્ય કેન્દ્ર બનશે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ પૂર્વ IPSનું જોડાણ એ ભાજપ માટે એક મજબૂત મનોવૈજ્ઞાનિક જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજકીય જાણકારોનું માનવું છે કે, મનોજ નિનામા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિના પક્ષમાં આવવાથી ખાસ કરીને શિક્ષિત અને યુવા મતદારો પર સકારાત્મક અસર પડશે. પૂર્વ પોલીસ અધિકારી તરીકેની તેમની છબી પક્ષને શિસ્ત અને મજબૂત સંગઠન બનાવવામાં મદદરૂપ થશે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમના સંપર્કોનો લાભ ભાજપને આગામી લોકસભા કે વિધાનસભાની પેટાચૂંટણીમાં મળી શકે છે.






