Gujarat government : ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા વધારી
આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા.14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ (https://krp.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારી છે.
5 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે
વધુ સાત દિવસ એટલે કે, આગામી તા. 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા. ૧૪ નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.






