Home Gujarat Application Case To Remove Shahabuddin Rathores Name From The Voter List

શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી મામલો : '...તો આ લોકશાહીના મૂળ પર હુમલો છે' કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણાએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ

શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી મામલો
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 09:34 AM IST

ગુજરાતનું ગૌરવ ગણાતા અને થાનગઢના રહેવાસી એવા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે અરજી કરવામાં આવી હોવાના મામલે રાજ્યની રાજનીતિમાં ભારે ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ AICCના સચિવ તથા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને આને લોકશાહી માટે ખતરનાક કાવતરું ગણાવ્યું છે.

'...સુનિયોજિત કાવતરું'

ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ દ્વારા એસસી, એસટી, ઓબીસી અને મુસ્લિમ સમુદાય સામે નફરતનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે, અને તેનો ભાગરૂપે થાનગઢના ગૌરવ એવા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની કોશિશ કરવામાં આવી છે. તેમણે આને ભાજપનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે.

'...તો આ લોકશાહીના મૂળ પર હુમલો છે'

આ મામલે હિતેશ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા અરજી કરાઈ હોવાનું બતાવવામાં આવ્યું હતું. જ્યારે આ અરજીની ખરાઈ માટે ઇલેક્શન કમિશનની સ્થાનિક ઓફિસમાં તપાસ કરવામાં આવી, ત્યારે અરજીમાં દર્શાવાયેલ નામ અને મોબાઇલ નંબર ખોટા હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હિતેશ રાઠોડ નામનો વ્યક્તિ રાજકોટનો રહેવાસી છે અને મોબાઇલ નંબર પણ તેનો જ છે, પરંતુ આ હિતેશ રાઠોડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેણે આવી કોઈ અરજી કરી જ નથી. આ ઘટના સામે આવતાં ઋત્વિક મકવાણાએ આ મામલાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “જો આ પ્રકારની અરજીઓ થઈ રહી છે કે થતી હોય, તો આ લોકશાહીના મૂળ પર હુમલો છે અને ખૂબ જ ગંભીર બાબત છે.”

'...તો સામાન્ય અને નાના મતદારોની સ્થિતિ શું હશે?'

ઋત્વિક મકવાણાએ વધુમાં જણાવ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લેવામાં આવવું જોઈએ. સાથે જ તેમણે માંગણી કરી છે કે ચૂંટણી અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે, તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “જો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જેવા પ્રતિષ્ઠિત નાગરિક સાથે આવું થઈ શકે છે, તો સામાન્ય અને નાના મતદારોની સ્થિતિ શું હશે?”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now