Apple Investment in India: અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની Apple હવે માત્ર iPhone ઉત્પાદન અથવા વેચાણ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતમાં ક્લીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ મોટું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીએ ભારતના રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે અંદાજે ₹1000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કંપની CleanMax સાથે ભાગીદારીમાં કરવામાં આવશે.
કંપનીના જણાવ્યા મુજબ, આ ભાગીદારી હેઠળ દેશભરમાં 150 મેગાવોટથી વધુ નવી રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળી એટલી હશે કે દર વર્ષે આશરે 1.5 લાખ ભારતીય ઘરોને વીજ પુરવઠો મળી શકે. આગામી વર્ષોમાં આ ક્ષમતામાં વધુ વધારો કરવાની પણ યોજના છે.
Appleના 2030 કાર્બન ન્યુટ્રલ લક્ષ્ય તરફ મોટું પગલું
Apple વર્ષ 2030 સુધી સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ બનવાનું વૈશ્વિક લક્ષ્ય ધરાવે છે. ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રે કરવામાં આવતું આ રોકાણ કંપનીની લાંબા ગાળાની પર્યાવરણ નીતિનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યું છે. કંપનીનું માનવું છે કે વિશ્વભરમાં સપ્લાય ચેઇન અને ઉત્પાદન પ્રક્રિયાને વધુ ગ્રીન અને ટકાઉ બનાવવા માટે રિન્યુએબલ એનર્જી તરફ વળવું જરૂરી છે.
Apple એ અગાઉ પણ CleanMax સાથે રૂફટોપ સોલર પ્રોજેક્ટ્સ માટે ભાગીદારી કરી હતી. તેના અંતર્ગત ભારતમાં આવેલા Apple ના ઓફિસ અને રિટેલ સ્ટોર્સને 100 ટકા રિન્યુએબલ એનર્જી પર ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે નવા રોકાણ સાથે આ પહેલને વધુ મોટા સ્તરે વિસ્તૃત કરવામાં આવશે.
ગુજરાતમાં 4,000 કરોડના 2 નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપાશે: જાણો ગુજરાતને કેટલો થશે ફાયદો
માત્ર વીજળી નહીં, પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પર પણ ફોકસ ક્લીન એનર્જી રોકાણ ઉપરાંત Appleએ ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એન્ટરપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપવા માટે નવી ભાગીદારીઓની પણ જાહેરાત કરી છે. કંપનીએ WWF-India અને Acumen સાથે મળીને પર્યાવરણ સુરક્ષા માટે કામ કરતા નાના સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.
Appleનું કહેવું છે કે આ પહેલનો હેતુ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવો, રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવું અને પર્યાવરણમૈત્રી ટેક્નોલોજી વિકસાવતી નવી કંપનીઓને મદદરૂપ થવાનો છે. ભારતમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને પર્યાવરણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને આ પગલાંને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
‘ભારતની ક્લીન એનર્જી ઇકોનોમીમાં રોકાણ પર ગર્વ’
Apple માં પર્યાવરણ અને સપ્લાય ચેઇન ઇનોવેશનની વાઇસ પ્રેસિડેન્ટ Sarah Chandler એ જણાવ્યું હતું કે પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા નવી ટેક્નોલોજી અને ઇનોવેશન માટે પ્રેરક શક્તિ બની રહી છે.
તેમણે કહ્યું કે, “ભારતની સ્વચ્છ ઊર્જા અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા અને અહીંના કુદરતી સંસાધનોને બચાવવા માટેના અમારા પ્રયાસોને આગળ વધારતા અમને ગર્વ થાય છે.” Apple નું માનવું છે કે ભારતમાં ક્લીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરવાથી માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ લાંબા ગાળે અર્થતંત્ર અને રોજગારીને પણ ફાયદો થશે.
આ કંપની આપી રહી છે 1 શેર પર 6 Bonus Share: આ અઠવાડિયે છે રેકોર્ડ ડેટ
ભારતમાં વધતું ગ્રીન ટેક્નોલોજી રોકાણ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક્નોલોજી માટે વૈશ્વિક રોકાણકારોનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. સોલર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનો અને વધતી ઊર્જા માંગને કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.
Apple નું આ રોકાણ પણ ભારતના ગ્રીન એનર્જી સેક્ટર માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મત અનુસાર, આવી પહેલો ભારતને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ બની શકે છે.






