Telangana Man Dies In America: અમેરિકામાં એક ભારતીય યુવકે નદીમાં ડૂબી રહેલા પોતાના ૩ મિત્રોના જીવ બચાવ્યા. જોકે, આ દરમિયાન તેણે પોતે જ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. તેલંગાણાના વતની ૨૩ વર્ષીય કોડુરુ અનુરૂપ રેડ્ડીનો પાર્થિવ દેહ મંગળવારે (૯ જૂન ૨૦૨૬) સવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યારપછી મૃતદેહને અબ્દુલ્લાપુરમેટના કવાદિપલ્લી ગામમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
PoKમાં મોટી દુર્ઘટના : ઉડાન ભરતા પહેલા જ પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, તમામ લોકોના મોત
માછલી પકડવાની જાળમાં પગ ફસાયો
અનુરૂપનું મોત ૨૯ મે ૨૦2૬ના રોજ અમેરિકાના લુઇસિયાના સ્થિત ટોરો બાયૂ પાર્કમાં થયું હતું. તે પોતાના મિત્રો સાથે કેમ્પિંગ કરવા ગયો હતો અને આ દરમિયાન તેના ૩ મિત્રો માછલી પકડતી વખતે ભૂલથી સબાઇન નદીમાં પડી ગયા હતા. અનુરૂપ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો. તે મિત્રોને બચાવવામાં તો સફળ રહ્યો, પરંતુ પોતે માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયો, જેના કારણે તે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. નાલગોંડા જિલ્લાના શાલિગોવરારામના વતની અનુરૂપનો પરિવાર હાલ શહેરના સરહદી વિસ્તાર અબ્દુલ્લાપુરમેટમાં રહેતો હતો.
કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો અનુરૂપ
અનુરૂપ વર્ષ ૨૦૨૪માં અમેરિકા ગયો હતો. તાજેતરમાં જ તેણે 'નોર્થ ટેક્સાસ યુનિવર્સિટી'માંથી કમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) પૂરું કર્યું હતું. આ જ મહિનાના અંતથી તે નોકરી શરૂ કરવાનો હતો. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ અનુરૂપની બહાદુરીની પ્રશંસા કરતા એક પ્રશસ્તિ પત્ર (Certificate Of Appreciation) મોકલ્યો છે. સીએમએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, ૨૩ વર્ષના અનુરૂપે પોતાના મિત્રોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને અસાધારણ સાહસનો પરિચય આપ્યો છે. તેમનું બલિદાન માનવતાના સર્વોચ્ચ મૂલ્યોને દર્શાવે છે.
સીએમ રેડ્ડી કરશે મદદ
સીએમ રેડ્ડીએ અનુરૂપના માતા-પિતા રાજેન્દ્ર રેડ્ડી અને દુર્ગાભવાની, ભાઈ અશ્રિત રેડ્ડી અને પરિવારના અન્ય સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તેમને રાજ્ય સરકાર તરફથી પૂરેપૂરો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. બીજી તરફ, ભોંગિરના સાંસદ ચમાલા કિરણ કુમાર રેડ્ડીએ મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરી હતી. તેમણે ભારતીય દૂતાવાસ અને તેલંગાણાના નોન-રેસિડેન્ટ માઈગ્રન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સંકલન સાધ્યું હતું. રાજ્ય સરકાર વતી અનુરૂપના પાર્થિવ દેહને લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને એરપોર્ટથી કવાદિપલ્લી લઈ જવામાં આવ્યો હતો.





