ગુજરાતમાં સતત રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. આ દરમિયાન સુરતથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામે પેટ્રોલ પંપ પર એક બેફામ કારચાલકે સફાઈ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના
મળતી માહિતી અનુસાર, પાલોદ ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર મહિલા સફાઈકર્મી પોતાનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે મહિલા ફંગોળાઈને નીચે પટકાઈ ગઈ હતી. જેના કારણે મહિલાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.






