ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 15 જુલાઈએ બે વિદ્યાર્થીનીઓ સાથે થયેલી મારામારીની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. આ કેસમાં પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધીને મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર અને તેની પત્ની ભાવિનીની ધરપકડ કરી હતી. જોકે હવે આરોપીની પુત્રી પર્લનું નિવેદન સામે આવતા સમગ્ર મામલે નવા સવાલો ઉભા થયા છે. પર્લે દાવો કર્યો છે કે જે ઘટના બની તે એકતરફી હુમલો નહોતો, પરંતુ અગાઉ બનેલી ઘટનાનું પરિણામ હતું. બીજી તરફ, સમગ્ર મામલે ક્રોસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
15 જુલાઈના રોજ અંકલેશ્વરમાં બનેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થયા હતા. વીડિયોમાં બે વિદ્યાર્થીનીઓ સાથે મારામારી થતી જોવા મળતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી અને પુરાવાના આધારે ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર તથા તેની પત્નીની ધરપકડ કરી હતી. બંને સામે જીવલેણ હુમલો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ પર્લનું નિવેદન
ઘટના બાદ આરોપીની પુત્રી પર્લ ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પર્લે સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર, બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ સાથે બનેલી મારામારીની ઘટના તેમના પરિવાર તરફથી કરવામાં આવેલો આયોજનબદ્ધ હુમલો નહોતો, પરંતુ અગાઉ તેમની સાથે બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી. પર્લે દાવો કર્યો કે મારામારીની ઘટનાના થોડા સમય પહેલાં સંસ્કૃતિએ તેને મળવા માટે બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ સંસ્કૃતિ અને તેના મિત્રો દ્વારા તેની સાથે મારામારી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સિગરેટના દામથી શરીર પર દાઝ આપવાનો પણ આરોપ તેણે લગાવ્યો છે. પર્લના આ ગંભીર આરોપો બાદ સમગ્ર કેસમાં વધુ તપાસની માંગ ઉઠી છે.
રસ્તામાં મુલાકાત થતાં ફરી સર્જાયો વિવાદ
પર્લના જણાવ્યા મુજબ, પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પરિવારને કર્યા બાદ તેના માતા-પિતા સંસ્કૃતિના ઘરે વાતચીત કરવા માટે જઈ રહ્યા હતા. જોકે રસ્તામાં જ સંસ્કૃતિ મળી જતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં મારામારીની ઘટના બની હતી. પર્લનો દાવો છે કે તે સમયે તેના માતા-પિતાએ ગુસ્સામાં આવીને મારામારી કરી હતી. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થીનીનો વીડિયો પણ થયો વાયરલ
બીજી તરફ, વિદ્યાર્થીની સંસ્કૃતિએ પણ પોતાને માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરતાં વીડિયો જાહેર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં તેણે પોતાની સાથે થયેલા હુમલા અંગે માહિતી આપી હતી. ઘટનાના બંને પક્ષો તરફથી અલગ-અલગ દાવા કરવામાં આવતા હવે તપાસ એજન્સીઓ માટે સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસ મહત્વપૂર્ણ બની છે.પોલીસ હાલ બંને પક્ષોના નિવેદન, વાયરલ વીડિયો, સાક્ષીઓ અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો: પ્રેમિકાને પતિ સાથે જોતા ભડક્યો પ્રેમી : રાજકોટની ચકચારી ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

ક્રોસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ
આ સમગ્ર મામલે હવે ક્રોસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો પર્લના આરોપોને સમર્થન આપતા પૂરતા પુરાવા મળશે તો પોલીસ બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદાકીય કાર્યવાહી આગળ વધારી શકે છે. કાયદા નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા કેસોમાં એકથી વધુ પક્ષોની ફરિયાદ સામે આવે ત્યારે પોલીસ દરેક ફરિયાદની અલગ-અલગ તપાસ કરે છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવે છે.
પોલીસની તપાસ પર સૌની નજર
હાલ આ સમગ્ર કેસને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને બંને પક્ષોના જુદા-જુદા દાવાઓને કારણે લોકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં તમામ પુરાવા અને તથ્યોની વિગતવાર તપાસ કરવામાં આવશે. અંકલેશ્વરની આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વધતી હિંસક પ્રતિક્રિયાઓ અને યુવાઓ વચ્ચેના વિવાદોને લઈને ચિંતા ઉભી કરી છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને કોર્ટની આગળની કાર્યવાહી પર ટકેલી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સામે આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે.






