Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પર બનાવાયેલ ડાયવર્ઝનનું નાળું ભારે વરસાદના કારણે ધોવાઈ જતાં વાહનવ્યવહાર પર અસર પડી છે. ઘટનાના આકાશી દૃશ્યો સામે આવ્યા છે, જેમાં લાંબા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.
ડાયવર્ઝનને નુકસાન પહોંચતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી છે. હાલ નાના વાહનો માટે નજીકમાં આવેલા જૂના અને નબળા નાળાનો કામચલાઉ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેથી આવશ્યક વાહનવ્યવહાર ચાલુ રહી શકે.
ટ્રાફિક વ્યવસ્થા પર તંત્રની નજર
ડાયવર્ઝન ધોવાઈ જતાં માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. તંત્ર દ્વારા સ્થળ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને સ્થિતિ સામાન્ય બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને સાવચેતી રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.






