Home Gujarat Ankleshwar Bootlegger Hidden Liquor Bumper Secret Compartment

અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો : કારમાંથી નીકળી 900 થી વધુ વિદેશી દારૂની બોટલ, ચોંકી ગઈ પોલીસ

કાર
Published by: Chintan Chavda
Last Updated: Jul 21, 2026, 08:39 AM IST

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પોલીસે આવી જ એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. બુટલેગરોએ કારના આગળ અને પાછળના બમ્પરમાં ખાસ ગુપ્ત ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હતો. જોકે પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો અને કારમાંથી 900થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે.

અંકલેશ્વર પોલીસે કાર્યવાહી દરમિયાન દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ અંદાજે રૂ. 6.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: બોટાદમાં ગોઝારો અકસ્માત : ખાઈમાં પલટી ગયો સિમેન્ટ ભરેલો ટ્રક, 2ના મોત અને 3 ઇજાગ્રસ્ત

બમ્પરમાં બનાવ્યા હતા ખાસ ચોરખાના

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી કારના આગળ અને પાછળના બમ્પરમાં ખાસ રીતે ચોરખાના તૈયાર કરવામાં આવ્યા હતા. બહારથી સામાન્ય દેખાતી કારમાં કોઈને શંકા ન જાય તે રીતે દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.

પોલીસે કારની સઘન તપાસ કરતાં બમ્પરની અંદર બનાવેલા ગુપ્ત ખાના મળી આવ્યા હતા. તેમાંથી 900થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

આ પણ વાંચો: 'પેપર લીક થયું તો શિક્ષણ મંત્રીનું રાજીનામું કેમ નહીં?' : ઈસુદાન ગઢવીનો મોટો સવાલ, NEET વિવાદે ગરમાવ્યું રાજકારણ

પોલીસે રૂ. 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો, હેરાફેરીમાં વપરાયેલી કાર અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

આ પણ વાંચો: મુકો લાપસીના આંધણ : 30 જુલાઈ સુધી મેઘરાજાની થશે મહેર, અંબાલાલ પટેલે કરી આગાહી

દારૂની હેરાફેરીના નવા રસ્તા સામે પોલીસ સતર્ક

તાજેતરના સમયમાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે વાહનોમાં ગુપ્ત ચોરખાના, મોડિફાઈડ બોડી અને અન્ય ટેકનિકનો ઉપયોગ કરતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. પોલીસ પણ આવા કીમિયાઓને ધ્યાનમાં રાખીને વાહનોની વધુ સઘન તપાસ કરી રહી છે.

અંકલેશ્વરમાં થયેલી આ કાર્યવાહી બાદ પોલીસ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now