Home Gujarat Angry Lover Vandalizes Girlfriends House Files Complaint With Khokhara Police

ઉશ્કેરાયેલા પ્રેમીએ કરી પ્રેમિકાના ઘર બહાર કરી તોડફોડ : ખોખરા પોલીસમાં ફરિયાદ

ઉશ્કેરાયેલા પ્રેમીએ કરી પ્રેમિકાના ઘર બહાર કરી તોડફોડ
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 06:39 PM IST

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં રવિવારની મોડી રાતે પ્રેમ સંબંધમાં મનદુઃખ થતા ઉશ્કેરાયેલા યુવકે પોતાના ચાર મિત્રોની સાથે યુવતીના ઘેર પહોંચી તોડફોડનો તાંડવ મચાવ્યો હતો. યુવતીના ઇન્કારથી ગુસ્સે થયેલા યુવકે બૂમાબૂમ કર્યા બાદ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો તથા અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી. યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અને તેના સાગરીતો સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખોખરા હાટકેશ્વરમાં પોતાની માતા અને બહેન સાથે રહેતી અને છૂટક ઇવેન્ટ મેનેજમેન્ટમાં કાર્યરત યુવતીની ગોમતીપુરના રહેવાસી કરણ ઉર્ફે માંજરો સાથે ત્રણ મહિના પહેલા ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ હતી, પરંતુ થોડા દિવસોથી કોઈ કારણસર યુવતીએ કરણ સાથે વાતચીત અને મળવાનું બંધ કરી દીધું હતું.

યુવતીના આ નિર્ણયથી નારાજ થયેલો કરણ પોતાના ચાર મિત્રોને સાથે લઈ ગયા રવિવારે મોડી રાત્રે યુવતીના ઘેર પહોંચી ગયો હતો. ઘરે આવીને યુવતીને બહાર બોલાવવા માટે બૂમાબૂમ શરૂ કરી હતી. યુવતીએ દરવાજો ખોલતા, કરણએ “તમે મારી સાથે વાત કેમ નહી કરો?” કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. યુવતીને કરણના હાથમાં લાકડી જોવા મળતા તેણે ભયે દરવાજો બંધ કરી દીધો હતો.

પછી ગુસ્સે ભરાયેલા કરણ અને તેના મિત્રો દ્વારા સોસાયટીના રહેવાસીઓના વાહનો તથા અન્ય ચીજવસ્તુઓમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે યુવતીએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો, પરંતુ પોલીસે પહોંચે તે પહેલાં જ કરણ અને તેના સાથીદારો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા.

આ બનાવ અંગે યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં કરણ સુરેશભાઈ બિરાડે અને તેના અજાણ્યા ચાર સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસએ IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now