કેનેડામાં આણંદની દીકરીની ચાકુ મારી હત્યા: લૂંટના ઈરાદે હુમલો
વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડાના નાયગ્રા વિસ્તારમાં ધોળાદિવસે ચાકુ મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. લૂંટના ઈરાદે થયેલા આ હુમલા બાદ બોરસદમાં રહેતા વિધિના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
અભ્યાસ પૂર્ણ કરી વર્ક પરમિટની કરી રહી હતી તૈયારી
વિધિ મેઘા 4 વર્ષ પહેલાં પોતાની આંખોમાં સોનેરી સપના સજાવીને કેનેડા ભણવા માટે ગઈ હતી. તે ત્યાં કાયદા (Law)નો અભ્યાસ પૂર્ણ કરી પાર્ટ-ટાઇમ જોબ કરતી હતી અને કાયમી વસવાટ (PR) માટેની તૈયારીઓમાં લાગી હતી. ઘટનાના માત્ર 15 દિવસ પહેલાં જ તે હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સ વિસ્તારમાં શિફ્ટ થઈ હતી.
વિધિના પિતા કલ્પેશભાઈએ જણાવ્યું કે, "14 મેના રોજ જ દીકરી સાથે ફોન પર વાત થઈ હતી. તે બહુ ખુશ હતી અને કહેતી હતી કે પપ્પા, હવે મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને હું વર્ક પરમિટ માટે એપ્લાય કરવાની છું. પરંતુ 15 મેના રોજ આ કાળઝાળ ઘટના ઘટી ગઈ." 15 મે પછી વિધિને મોકલેલા મેસેજ ડિલિવર ન થતાં પરિવાર ચિંતામાં હતો, અને આખરે તેમને દીકરીની હત્યાના માઠા સમાચાર મળ્યા.
પૈસા માટે ડ્રગિસ્ટે કર્યો ઓચિંતો હુમલો
મળતી માહિતી મુજબ, 15 મેના રોજ વિધિ જ્યારે ઘરની બહાર હતી ત્યારે એક ડ્રગિસ્ટ (નશાખોર) હુમલાખોરે પૈસા પડાવવાના ઈરાદે તેના પર ઓચિંતો હુમલો કર્યો હતો. વિધિએ બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલાખોરે તેના પર ચાકુથી સખત પ્રહાર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ વિધિને સ્થાનિક લોકોએ હોસ્પિટલ પહોંચાડી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
કેનેડા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પિતાના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
બોરસદમાં માતમ: મૃતદેહ ભારત લાવવા સરકારને વિનંતી
દીકરીના અકાળે અવસાનથી વિધિના માતા-પિતા અને સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. માતાના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. પરિવારજનોએ આક્રંદ સાથે ભારત સરકારને વિનંતી કરી છે કે તેમની દીકરીનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવામાં આવે જેથી તેઓ તેના અંતિમ દર્શન કરી શકે.
ઘટનાની જાણ થતાં જ કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પીડિત પરિવારના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને આ અંગે તાકીદે જાણ કરવામાં આવી છે અને વિદેશ મંત્રાલય સાથે મળીને મૃતદેહને ઝડપથી ભારત લાવવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વિદેશમાં ભારતીયો પર વધતા હુમલાથી ચિંતા
કેનેડા સહિત પશ્ચિમી દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પર વધી રહેલા હુમલાઓએ પરિવારોની ચિંતા વધારી દીધી છે. આ અગાઉ પણ કેનેડાના ઓન્ટારિયો અને ટોરોન્ટોમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની હત્યાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. વિધિના પિતાએ પણ સરકારને અપીલ કરી છે કે વિદેશમાં ભણવા જતા ભારતીય બાળકોને યોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે.






