Home Gujarat Anand Adas Dysp Car Accident Two Dead Three Injured

આણંદમાં DySP ની 'કાળમુખી' કાર : બેકાબૂ કારે 5 ને કચડયા, 2 ના મોત

બોટાદના DySP અને અકસ્માતગ્રસ્ત કાર
Published by: Chintan Chavda
Last Updated: May 29, 2026, 09:27 AM IST

આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક 29 મે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બોટાદના DySP એ.એ. સૈયદની કાર અચાનક બેકાબૂ બની જતાં માર્ગ કિનારે ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: "દીકરી અંદર ના આવતી, પાણી ના પીતી" : જતાં જતાં પિતા ચિઠ્ઠીમાં ચેતવણી આપી પરિવારને બચાવતા ગયા, ગાંધીનગરનો ચોંકાવનારો કિસ્સો

શેરડીનો રસ પી રહેલા લોકો બન્યા અકસ્માતનો ભોગ

મળતી માહિતી અનુસાર વડોદરાથી આણંદ તરફ જઈ રહેલી કાર અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન માર્ગ કિનારે આવેલા શેરડીના રસના કોલુ પાસે કેટલાક લોકો ઉભા રહી રસ પી રહ્યા હતા. ત્યારે બેકાબૂ બનેલી કાર સીધી ત્યાં ઘૂસી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે શેરડીનો રસ કાઢવાનું કોલુ પણ દૂર સુધી ફંગોળાઈ ગયું હતું. કારની અડફેટે આવેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણેય ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે તબીબી અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: વડોદરાથી ગુમ થયેલા MBBSના 21 વર્ષના વિદ્યાર્થીની શોધમાં પરિવાર : CM સમક્ષ લગાવી ન્યાયની ગુહાર

અકસ્માતના કારણ અંગે તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માતના કારણો જાણવા માટે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક સ્તરે એવી ચર્ચા સામે આવી રહી છે કે વાહન ચલાવતી વખતે DySP એ.એ. સૈયદને ઝોકું આવી જતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ અને ટેક્નિકલ વિશ્લેષણ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now