અમરેલીમાં શનિવારે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. કલેક્ટર કચેરીને સંબોધીને મળેલા ધમકીભર્યા ઇ-મેઇલ બાદ સમગ્ર કચેરીને સુરક્ષાના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. કચેરીમાં હાજર અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢી સમગ્ર પરિસરને પોલીસ કબજામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કલેક્ટર કચેરી પરિસરને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રવેશ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.
ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન ટીમે હાથ ધરી તપાસ
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડોગ સ્ક્વોડ સહિતની પોલીસ ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. સમગ્ર કચેરીના વિવિધ વિભાગો, રૂમો તેમજ પરિસરની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા ધમકીભર્યા ઇ-મેઇલની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઇ-મેઇલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું હોઈ શકે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ કચેરી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
એસપી સંજય ખરાતે ધમકીભર્યા ઇ-મેઇલની પુષ્ટિ કરી
અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ હાલ તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે સાવચેતીના પગલાં તરીકે કલેક્ટર કચેરી ખાલી કરાવવામાં આવી હતી.
તપાસ બાદ જ સામે આવશે હકીકત
ધમકી સાચી છે કે કોઈ શરારતી તત્વ દ્વારા ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે.






