Home Gujarat Amreli Civil Hospital Dalit Youth Beaten To Live Lost Over Food Waste Dispute

થાળીમાં ભોજન વધ્યું તો 7 શખ્સોએ પાઈપથી ઢોર માર માર્યો : 500ની નોટ આપી છતાં જીવ ન બચ્યો, સારવાર દરમિયાન યુવકનું મોત

Amreli News Civil Hospital
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 04:18 AM IST

Amreli News: અમરેલીની સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં તેના સગાની સારવાર માટે આવેલા એક યુવાનને માત્ર એટલા માટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો કારણ કે તેનાથી થાળીમાં ભોજન વધ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં ભોજનની વ્યવસ્થા સંભાળતા શખ્સોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્રણ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે આ આશાસ્પદ યુવાને હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા છે.

આ ઘટના ગત 17મી તારીખે અમરેલી સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલા ટ્રસ્ટના ભોજનાલયમાં બની હતી. ગોપાલગ્રામનો વતની અને માત્ર 24 વર્ષનો મહેશ પ્રેમજીભાઈ રાઠોડ નામનો યુવાન તેના મોટા બાપુજીની સેવા કરવા માટે સિવિલમાં આવ્યો હતો. બપોરના સમયે તે જમવા માટે બેઠો ત્યારે તેને તબિયત સારી ન હોવાથી ઉબકા આવ્યા હતા, જેના કારણે તે પૂરેપૂરું ભોજન જમી શક્યો ન હતો. આ નાનકડી બાબત 7 શખ્સો માટે એટલી મોટી બની ગઈ કે, તેમણે યુવક પર પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી દીધો હતો.

500ની નોટ આપી અને થાળી પણ ધોઈ, છતાં ન મળ્યો છુટકારો

ભોજનાલયમાં ભોજનનો બગાડ થતા ત્યાં વ્યવસ્થા સંભાળતા ભરત આચાર્ય સહિતના શખ્સોએ મહેશને ધમકાવ્યો હતો. તેમણે કાં તો બધું જમી લેવા અથવા 50 રૂપિયા દંડ ભરવા દબાણ કર્યું હતું. મહેશે વિનંતી કરી હતી કે તેની તબિયત સારી નથી, અને તેણે દંડ પેટે 500 રૂપિયાની નોટ પણ આપી હતી. એટલું જ નહીં, તેણે પોતાની થાળી પણ જાતે ધોઈ નાખી હતી. તેમ છતાં, આરોપીઓએ બાકીના 450 રૂપિયા પરત આપવાને બદલે બોલાચાલી શરૂ કરી હતી.

સિવીલ પરિસરમાં મૃતક યુવકની માતા આક્રંદ સાથે બે હાથ જોડી ન્યાય માંગી રહી હતી. યુવકની બહેન, પિતાના આક્રંદે પણ શોકમય વાતાવરણ સર્જયું હતું.

7 શખ્સોનો પાઈપ વડે હુમલો: સમગ્ર ઘટના CCTVમાં કેદ

વિવાદ વધતા ભરત આચાર્ય, કાળુ, હીરા ખુમાણ, ચતુર દાફડા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પ્લાસ્ટિકના પાઈપ વડે મહેશ પર તૂટી પડ્યા હતા. તેને એટલી હદે ઢોર માર મારવામાં આવ્યો કે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. આ સમગ્ર મારામારીની ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલ મહેશને સિવિલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો: RTI કાયદાનું ઉલ્લંઘન : ગુજરાતના 11 સરકારી વિભાગોએ માહિતી જાહેર કરવામાં દાખવી આળસ, જાણો શું છે મામલો

પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, ન્યાય માટે સિવિલમાં ધરણા

યુવકના મોત સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક મહેશની માતા અને બહેનના કરુણ આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી તમામ 7 આરોપીઓ સામે હત્યાનો ગુનો (કલમ 302) દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. હાલમાં સિવિલ પરિસરમાં પરિવારજનો ધરણા પર બેસી ગયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

પોલીસ કાર્યવાહી અને ફોરેન્સિક પીએમની રાહ

બનાવની ગંભીરતા જોતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ અને ઇજાઓના પ્રકારને આધારે ગુનાની કલમોમાં સુધારો કરવામાં આવશે. સીટી પોલીસે અત્યાર સુધી હત્યાનો ગુનો દાખલ ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now