Home Gujarat Ahmedabad Ahmedabad Juhapura Instagram Dispute Case

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામે લીધો યુવકનો જીવ! : પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચ્યા

જુહાપુરામાં બનેલી ઘટનાનું ઘટનાસ્થળ
Published by: Chintan Chavda
Last Updated: Apr 23, 2026, 05:15 AM IST

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચિંતાઓ ઊભી થઈ છે, કારણ કે માત્ર 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. 22 એપ્રિલની મોડી રાત્રે જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદ પાછળ 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનાની પાછળ સોશિયલ મીડિયા પર થયેલી નાની લાગતી પરંતુ ગંભીર બનેલી અદાવત જવાબદાર રહી છે.

મૃતકની ઓળખ મોહમ્મદસાલિક શેખ તરીકે થઈ છે, જ્યારે હુમલામાં તેનો મિત્ર કાશીબ સૈયદ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના પગલે વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું, જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને સ્થિતિ કાબૂમાં લીધી હોવાનું જણાવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી શરૂ થયેલો વિવાદ

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, મોહમ્મદસાલિક અને સ્થાનિક રહેવાસી રેહાન પઠાણ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ખાસ કરીને રમઝાન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર મૂકાયેલી સ્ટોરીને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ અદાવત વધતી ગઈ હતી.

ઘટનાની રાત્રે રેહાન પઠાણે મોહમ્મદસાલિકને “વાતચીત માટે” જુહાપુરાના આયશા મસ્જિદ નજીક બોલાવ્યો હતો. સલિક પોતાના મિત્ર કાશીબ સાથે ત્યાં પહોંચ્યો, જ્યાં પહેલેથી જ રેહાન તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. શરૂઆતમાં બોલાચાલી થઈ, પરંતુ વાત ઝડપથી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ.

હુમલો અને મોત

વિવાદ દરમિયાન રેહાન પઠાણે ઉશ્કેરાઈને મોહમ્મદસાલિકના પેટના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓને કારણે સલિક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. તેના મિત્ર કાશીબે બચાવવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ તેને પણ નિશાન બનાવી છરીના ઘા ઝીંક્યા અને પથ્થરમારો કર્યો હતો.

સ્થાનિક લોકો એકત્ર થતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ મોહમ્મદસાલિકને મૃત જાહેર કર્યો હતો. કાશીબ સૈયદ હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાય છે.

આ પણ વાંચો: અમદાવાદના છારોડીમાં અર્ધસળગેલી હાલતમાં મળી મહિલાની લાશ : એક સપ્તાહમાં પોશ વિસ્તારમાંથી લાશ મળવાની બીજી ઘટનાથી ફફડાટ

પોલીસે ઝડપી કાર્યવાહી કરી

ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ સક્રિય થઈ હતી અને મોડી રાત્રે જ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે મુખ્ય આરોપી રેહાન પઠાણ સાથે તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણને ઝડપી પાડ્યા છે.

પોલીસ દ્વારા હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસમાં એ મુદ્દો ખાસ ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે કે શું માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ આ હત્યાનું કારણ હતું કે પાછળ કોઈ જૂની અદાવત અથવા અન્ય વ્યક્તિગત વિવાદ પણ સંકળાયેલા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now