કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે. આ મંત્રાલયે દેશભરના ૧૬ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. સહકારી પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે આ સાત પહેલ આ ક્ષેત્રને પારદર્શક, લોકતાંત્રિક અને સર્વસમાવેશી બનાવવા માટે છે.
''....સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે''
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી ૧૨૫ એકરમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે. દેશમાં ૪૦ લાખ કર્મચારીઓ અને ૮૦ લાખ બોર્ડ સભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેમાં ૩૦ કરોડ લોકો, એટલે કે દેશનો દર ચોથો વ્યક્તિ, આ ચળવળનો ભાગ છે. જોકે, સહકારી કર્મચારીઓ અને સભ્યોની તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો, જે આ યુનિવર્સિટી દૂર કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ યુનિવર્સિટી ફક્ત પ્રશિક્ષિત કર્મચારીઓ જ નહીં, પરંતુ ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે તેમ કહેતા શ્રી શાહે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરીઓ મળશે. આવું થવાથી સહકારી સંસ્થામાં ભરતીમાં લાગતા ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે અને પારદર્શિતા વધશે. આ યુનિવર્સિટી ટેકનિકલ કૌશલ્ય, હિસાબની કુશળતા, વૈજ્ઞાનિક અભિગમ અને સહકારી સંસ્કારોનું શિક્ષણ આપશે.
''અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે''
ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ ત્રિભુવનદાસ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી હતી. જે આજે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. ૩૬ લાખ મહિલાઓ થકી રૂ. ૮૦ હજાર કરોડનો વ્યવસાય અમૂલ થકી થાય છે. આ પહેલ પોલસન્સ ડેરી દ્વારા થતાં અન્યાય સામેની લડત હતી. આ યુનિવર્સિટી સહકારી પ્રવૃત્તિને ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા બનાવશે. તે નવીનતા, સંશોધન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપશે, અને બે લાખ નવી સહકારી મંડળો બનાવવા સહિતની યોજનાઓને જમીન પર ઉતારશે. તેમણે દેશભરના સહકારી નિષ્ણાતોને આ યુનિવર્સિટી સાથે જોડાઈને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ સર્વસમાવેશ પગલાં માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટીને ત્રિભુવનદાસ પટેલના નામ આપવાનું યથાર્થ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય પક્ષાપક્ષીથી પર ઉપર જઇને સહકારી પ્રવૃત્તિમાં તેમના યોગદાનને ધ્યાને રાખીને આ નામાભિધાન કરવામાં આવ્યું હતું. શ્રી ત્રિભૂવનદાસ પટેલ જ્યારે અમૂલમાંથી નિવૃત્ત થયા ત્યારે ૬ લાખ મહિલાઓએ એક-એક રૂપિયો એકત્ર કરી રૂ. ૬ લાખની ભેટ આપી, તે ભેટને પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે દાન કરી દીધી હતી. ડો. વર્ગીસ કુરિયનને તેમણે જ વિદેશમાં વધુ અભ્યાસ માટે મોકલ્યા હતા. ડો. કુરિયનનું પણ યોગદાન મહત્વનું છે. અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા એનસીઇઆરટીના સહકારિતાના પાઠ્યપુસ્કતના બે મોડ્યુઅલનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ મોડ્યુઅલની જેમ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા શ્રી શાહે પ્રેરક સૂચન કર્યું હતું.




