કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે એનડીડીબીના મુખ્યાલય ખાતે મણીબેન પટેલનું ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. દેશની દૂધ સહકારી મંડળીઓના રાષ્ટ્રીય સંગઠનનો પાયો પણ આ બન્ને મહાનુભાવોના હસ્તે નંખાયો છે. તેમણે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દાત હેતુંથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
પશુ પાલક બહેનો દૂધ ઉત્પાદન દ્વારા રૂ.80 હજાર કરોડનું ટર્નઓવર કરે
તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, 36 લાખ ગુજરાતી અને 20 લાખ દેશભરના મળી કુલ 56 લાખ બહેનો પશુપાલન થકી દૂધ ઉત્પાદન દ્વારા રૂ.80 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. જે આગામી વર્ષે એક લાખ કરોડ થશે, જેનો નફો ૫૬ લાખ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ બહેનોના ખાતામાં જશે. આ સંમેલનમાં શાહે સહકારી ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વૈદિક કાળથી સહકારની પરંપરા ચાલે છે. સાથે બેસી જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની આપણી સહકારી પરંપરાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. 8.40 લાખની વધુ મંડળીમાં 31 કરોડ સભાસદો જોડાયેલા છે. આ મંડળીઓ દૂધ, બેન્કિંગ, ખાંડની મિલો અને ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. આ મંત્રાલયના ચાર વર્ષમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે.
'અનેક દેશોમાં સહકારી પ્રવૃત્તિ બંધ પડી છે'
અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શિતા, ટેકનોલોજીનો સ્વીકાર અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવાની ત્રણ બાબતોને અમલમાં મૂકવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, 'આ બાબતો વિના સહકાર લાંબો ટકી શકે નહીં. આ ભાવનાને કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી દરેક ગામડે પહોંચાડવી જોઈએ. અનેક દેશોમાં પારદર્શિતાના અભાવના કારણે સહકારી પ્રવૃત્તિ બંધ પડી છે'
'રાજ્યનું સહકારી ક્ષેત્ર રૂ. ચાર લાખ કરોડનું ટર્નઓવર'
મુખ્યમંત્રીએ ગુજરાતના સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસહકાર આંદોલનની આગેવાની લીધી હતી, અને આજે સહકારીતામાં પણ અગ્રેસર છે. રાજ્યનું સહકારી ક્ષેત્ર રૂ. ચાર લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે, 27 લાખથી વધુ નવા બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે અને રૂ. 12000 કરોડથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદનમાં રોજના 325 લાખ લિટરનો સંગ્રહ થાય છે, અને મહિલા-સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં 21 ટકા તેમજ તેમની આવકમાં 43 ટકાનો વધારો નોંધાયો છે.

_b4c64e5c-819e-4694-b66d-a005ce28d5c7.jpg)




