West Bengal Election 2026: આજથી બરાબર દસ વર્ષ પહેલાં, સોમવાર 25 જાન્યુઆરી 2016નો એ દિવસ હતો. ત્યારે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના હાવડામાં એક જંગી રેલીને સંબોધિત કરી હતી. આત્મવિશ્વાસથી છલોછલ શાહે મમતા સરકારની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, "મમતાએ પરિવર્તન નહીં, માત્ર પતન કર્યું છે." આજે દસ વર્ષ પછી, જ્યારે બંગાળમાં ભાજપે મોટી જીત નોંધાવી છે, ત્યારે તે કદાચ આ વ્યક્તિની એ દૂરંદેશીનું પરિણામ છે જેની શરૂઆત તેમણે ત્યારે કરી હતી.
ભારતીય રાજકારણમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે માત્ર ચૂંટણી જીતવા પૂરતી સીમિત નથી હોતી, પરંતુ તે સત્તાના માળખાના પુનઃનિર્માણનો સંકેત આપે છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરની જીત એ જ શ્રેણીની ઘટના છે. અને આ જીતના કેન્દ્રમાં જો કોઈ એક વ્યક્તિનો પડછાયો સૌથી સ્પષ્ટ રીતે દેખાતો હોય, તો તે અમિત શાહ છે. 25 જાન્યુઆરી 2016નો દિવસ એટલે ખાસ હતો કારણ કે તે દિવસે ભાજપના અધ્યક્ષ પદની ચૂંટણી હતી. અમિત શાહ ફરીથી ઉમેદવાર હતા અને બિનહરીફ ચૂંટાયા બાદ તેઓ સીધા બંગાળ વિજયના અભિયાન પર નીકળી પડ્યા હતા.
અસંભવને પડકાર તરીકે સ્વીકારવાની જીત
આજે જ્યારે બંગાળમાં ભાજપ જીતી રહ્યું છે, ત્યારે આ જીત માત્ર બેઠકોના સરવાળા-બાદબાકી નથી. આ એ સંગઠનાત્મક જીદની જીત છે જે અસંભવને માત્ર એક પડકાર માને છે. આ એ નેતૃત્વની જીત છે જેણે ચૂંટણીને ઈવેન્ટ નહીં પણ એક 'પ્રોજેક્ટ' તરીકે લીધી. બંગાળ લાંબા સમય સુધી એક રાજકીય મિથક રહ્યું હતું - એક એવું રાજ્ય જ્યાં ડાબેરી વિચારધારા અને પ્રાદેશિક અસ્મિતાએ રાષ્ટ્રીય પક્ષો માટે મર્યાદાઓ નક્કી કરી રાખી હતી. અમિત શાહે આ મિથકને સમજ્યું, તેના મૂળિયાં ઓળખ્યા અને પછી તેને વ્યવસ્થિત રીતે પડકાર આપ્યો.
વિરોધીઓના દરેક નેરેટિવનો તોડ
બંગાળ માટે તેમની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ અને બહુસ્તરીય હતી. બૂથ સ્તર સુધી કેડરને મજબૂતી આપી. જ્ઞાતિ અને સમુદાયના સમીકરણોનું પુનર્ગઠન કર્યું. વિરોધીઓના દરેક અપપ્રચારનો સચોટ જવાબ આપ્યો. આ જ કારણ છે કે ચૂંટણી પહેલા જ તેઓ એ કહેવાની હિંમત કરી શક્યા હતા કે જનતા પરિવર્તનના પક્ષમાં છે અને ભાજપ એકમાત્ર વિકલ્પ છે. આ સંદર્ભમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 22 એપ્રિલ 2026ના રોજ દમદમની સભામાં અમિત શાહે જનતા સામે આખું ટાઈમ-ટેબલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "ભાઈઓ-બહેનો, 4 મેના રોજ સવારે કાઉન્ટિંગ શરૂ થશે. 8 વાગ્યે બેલેટ બોક્સ ખુલશે, 9 વાગ્યે પહેલો રાઉન્ડ, 10 વાગ્યે બીજો રાઉન્ડ અને બપોરે 1 વાગ્યે ગણતરી પૂરી થતા જ દીદીને ટાટા ગુડબાય." આજે 04 મેના રોજ તેમની કહેલી એક-એક વાત સાચી સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો: શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું કેવી રીતે મોદી-શાહે સાકાર કર્યું? : 66 વર્ષ પછી બદલાઈ ગયો ઈતિહાસ
ડેટા, મેનેજમેન્ટ અને શિસ્તની ભૂમિકા
અમિત શાહે ભારતીય રાજકારણની એ માન્યતા પણ તોડી છે કે ચૂંટણી માત્ર કરિશ્માઈ નેતૃત્વથી જીતી શકાય છે. તેમણે સાબિત કર્યું કે ચૂંટણી માત્ર ભાષણોથી નહીં, પરંતુ ડેટા, મેનેજમેન્ટ અને શિસ્તથી જીતવામાં આવે છે. જ્યારે હજારો કાર્યકરો એક જ સૂરમાં એક જ વાત કરે છે, ત્યારે સંદેશમાં મૂંઝવણ રહેતી નથી. આ હારે મમતા બેનર્જીના કરિશ્માઈ નેતૃત્વના યુગનો અંત આણ્યો છે. બંગાળમાં હિંસાના મુદ્દાને પણ તેમણે સીધો પડકાર્યો. કેન્દ્રીય દળોની તૈનાતી અને મતદારોને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ માત્ર વહીવટી નિર્ણય નહોતો, પરંતુ એક મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપ હતો. તેનાથી મતદારોમાં એ વિશ્વાસ પેદા થયો કે તેઓ એકલા નથી.
વિચારધારાની જીત
તેમણે સિન્ડિકેટ રાજ અને તુષ્ટિકરણની રાજનીતિ સામે એવો વિમર્શ ઊભો કર્યો, જેણે બંગાળના ભદ્રલોકથી લઈને મતુઆ સમુદાય સુધીના લોકોને હચમચાવી દીધા. 'જય શ્રી રામ'ના નારાને બંગાળની અસ્મિતા સાથે જોડી દેવો એ શાહની એ વૈચારિક જીત હતી, જેણે મમતા બેનર્જીને રક્ષણાત્મક મોડમાં લાવી દીધા હતા.
આ પણ વાંચો: તમિલનાડુમાં CM સહિત આખું મંત્રીમંડળ હારવાના સંકેત : 30 વર્ષ પછી ફરી દોહરાયો ઇતિહાસ? તે સમયે ગુજરાતમાં પણ થયો હતો આવો ઘાટ
રાજનીતિના 'ચાણક્ય'
અમિત શાહને 'ચાણક્ય' કહેવા પાછળ તેમની કાર્યશૈલી જવાબદાર છે. તેઓ લાગણીઓથી નહીં પણ ડેટાથી રાજનીતિ કરે છે. તેઓ ભૂલોમાંથી શીખે છે અને તેને પુનરાવર્તિત કરતા નથી. બંગાળના પરિણામો દર્શાવે છે કે તેમની વ્યૂહરચનાએ જનતાના મોટા હિસ્સાને પ્રભાવિત કર્યો છે. આજે અમિત શાહ એક એવા નેતા તરીકે ઉભર્યા છે જે વિપરીત સંજોગોમાં પણ વિરોધીના અજેય કિલ્લામાં ગાબડું પાડવાની ક્ષમતા ધરાવે છે. કદાચ એટલે જ તેમને વડાપ્રધાન મોદીના સૌથી વિશ્વસનીય સાથી અને ભાજપના વિજય રથના મગજ માનવામાં આવે છે.





