JCB Tire Blast: છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં બનેલી એક ભયાનક દુર્ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. બાંધકામ હેઠળની એક કોલોનીમાં JCBના ટાયરમાં હવા ભરવાની સામાન્ય પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા જોરદાર વિસ્ફોટે બે લોકોના જીવ લીધા છે, જ્યારે અન્ય અનેક કામદારો ઘાયલ થયા છે. અકસ્માતની ગંભીરતા એટલી વધુ હતી કે ઘટનાસ્થળે હાજર લોકો 10થી 15 ફૂટ સુધી હવામાં ઉછળીને જમીન પર પટકાયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિસ્ફોટની તીવ્રતા અને તેની વિનાશક અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિક લોકો અને નિષ્ણાતો હવે બાંધકામ સાઇટ પર સુરક્ષા ધોરણોના પાલન અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
પંચર ટાયરમાં હવા ભરતી વખતે થયો વિસ્ફોટ
માહિતી મુજબ બિલાસપુર જિલ્લાના ચક્રભઠ્ઠા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા બોદરી ગામમાં ફોર્ચ્યુન એલિમેન્ટ્સ નામની બાંધકામ હેઠળની કોલોનીમાં આ ઘટના બની હતી. 18 જૂનના રોજ JCBના પંચર થયેલા ટાયરમાં હવા ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ટાયરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો થોડા સમય માટે સમજી જ શક્યા નહોતા કે શું બન્યું છે.
15 ફૂટ દૂર ફંગોળાયા કામદારો
વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે, ટાયરની નજીક ઉભેલા અને તેના પર બેઠેલા લોકો 10થી 15 ફૂટ દૂર જઈને પટકાયા હતા. ટાયરનો લોખંડનો ડિસ્ક અને અન્ય ભાગો પણ દૂર સુધી ઉડી ગયા હતા, જેના કારણે આસપાસ ઉભેલા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.ઘટનાના તરત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતમાં મળ્યું હજારો કરોડોનું સોનું! : વિશાળ ભંડાર જોઈ નિષ્ણાતો પણ રહી ગયા દંગ, શું દેશ બનશે નવો ગોલ્ડ હબ?
બે કામદારોના મોત, ત્રણ ઘાયલ
આ અકસ્માતમાં હેલ્પર તરીકે કામ કરતા શિવમ સાહુને માથા અને જડબામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અહેવાલો મુજબ. અન્ય એક JCB હેલ્પર ઉમાકાંત કૌશિક પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત JCB ઓપરેટર રાહુલ યાદવ, મિકેનિક અજય નિષાદ અને અન્ય એક કર્મચારી ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
CCTVમાં કેદ થયો ભયાનક દૃશ્ય
ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટાયરમાં હવા ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અચાનક જોરદાર વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ બાદ લોકો હવામાં ઉછળી જાય છે અને ટાયરના ભાગો દૂર સુધી ફંગોળાઈ જાય છે. કેટલાક અહેવાલો મુજબ ટાયરનો ભારે લોખંડનો ડિસ્ક 30થી 40 ફૂટ દૂર જઈને પડ્યો હતો. આ દૃશ્યો જોઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઓવર પ્રેશર બન્યું કારણ?
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, ટાયરમાં વધુ દબાણ (ઓવર પ્રેશર) સર્જાતા વિસ્ફોટ થયો હોઈ શકે છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને તકનીકી નિષ્ણાતોની મદદથી સાચું કારણ શોધવામાં આવશે.
આ પણ વાંચો: ખાન સરને મોટી કાનૂની રાહત : 25 જૂન સુધી ધરપકડ પર રોક યથાવત, પટણા સિવિલ કોર્ટનો નિર્ણય
સુરક્ષા ધોરણો પર ઉઠ્યા સવાલ
આ દુર્ઘટના બાદ બાંધકામ સાઇટ્સ પર સુરક્ષા વ્યવસ્થાના પાલન અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારે મશીનરીના ટાયરમાં હવા ભરતી વખતે જરૂરી સુરક્ષા સાધનો, સલામત અંતર અને ટેકનિકલ ચકાસણીનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે પણ તપાસનો વિષય બન્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, જો તપાસ દરમિયાન કોઈ પ્રકારની બેદરકારી સામે આવશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.





