west bengal election result 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોએ ભારતીય રાજનીતિમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. વર્ષોના સંઘર્ષ અને અનેક અવરોધો બાદ આખરે ભાજપ બંગાળમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. 15 વર્ષથી સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસની વિદાય નિશ્ચિત જણાઈ રહી છે. આ માત્ર એક ચૂંટણી જીત નથી, પરંતુ ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના એ વિઝનની જીત છે જે તેમણે આઝાદીના સમયે જોયું હતું.
શ્યામા પ્રસાદ મુખર્જી: ભાજપના 'પિતામહ' અને બંગાળના તારણહાર
બંગાળમાં ભાજપની આ જીત સીધી રીતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના વારસા સાથે જોડાયેલી છે. 1901માં કોલકાતામાં જન્મેલા મુખર્જી માત્ર 33 વર્ષની વયે કોલકાતા યુનિવર્સિટીના સૌથી યુવા વાઈસ ચાન્સેલર બન્યા હતા. તેઓ પ્રખર દેશભક્ત, વકીલ અને શિક્ષણવિદ હતા. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમની વિદ્વત્તા જોઈને તેમને સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બનાવ્યા હતા. પરંતુ, વૈચારિક મતભેદોને કારણે તેમણે 1930માં કોંગ્રેસ છોડી દીધી અને 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી, જે આજે 'ભારતીય જનતા પાર્ટી' (BJP) તરીકે વટવૃક્ષ બની છે.
જ્યારે મુખર્જીએ બંગાળને પાકિસ્તાનમાં જતું બચાવ્યું
ઈતિહાસ સાક્ષી છે કે જો ડો. મુખર્જી ન હોત તો કદાચ આજે પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ ન હોત. 1947માં જ્યારે મુસ્લિમ લીગ અને સુરાહવર્દીએ 'અવિભાજિત બંગાળ'નો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે મુખર્જી સમજી ગયા હતા કે આ એક ચાલ છે જેનાથી આખું બંગાળ પાકિસ્તાનમાં જતું રહેશે. તેમણે લોર્ડ માઉન્ટબેટન સમક્ષ મજબૂત રજૂઆત કરી કે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો ભારત સાથે જ રહેવા જોઈએ. 20 જૂન, 1947ના રોજ તેમના પ્રયત્નોથી પશ્ચિમ બંગાળના ગઠનનો પ્રસ્તાવ પસાર થયો. આજે જે બંગાળ ભારતના નકશા પર છે, તે મુખર્જીના સંઘર્ષની દેણ છે.
મોદી-શાહની જોડીએ પૂરું કર્યું અધૂરું સપનું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સતત એ વાત પર ભાર મૂક્યો હતો કે ભાજપ મુખર્જીના ગઢમાં તેમના જ વિચારોનું શાસન લાવશે.
આ પણ વાંચો: મમતા બેનર્જી સામે બંગાળમાં નારાજગી કેમ વધી? : વિવાદો, ભ્રષ્ટાચાર અને સુરક્ષાના સવાલોની અંદરની કહાની
ભાજપના વિજયના મુખ્ય પાસાઓ:
1. અનુચ્છેદ 370 અને બંગાળ: કાશ્મીરમાંથી 370 હટાવીને ભાજપે મુખર્જીના "એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે" ના નારાને સાર્થક કર્યો હતો. હવે બંગાળ જીતીને તેમનો બીજો સંકલ્પ પૂરો કર્યો છે.
2. શરણાર્થી સમસ્યાનો ઉકેલ: મોદી સરકારે સીએએ (CAA) દ્વારા શરણાર્થીઓને ન્યાય આપવાનો વાયદો કર્યો હતો, જે આ ચૂંટણીમાં ગેમ-ચેન્જર સાબિત થયો.
3. વિકાસ અને અસ્મિતા: 'સોનાર બાંગ્લા'ના નારા સાથે ભાજપે બંગાળની ખોવાયેલી સમૃદ્ધિ પાછી લાવવાનો જે વિશ્વાસ અપાવ્યો, તેને જનતાએ આવકાર્યો છે.
2026ના આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે વિચારધારા ક્યારેય મરતી નથી. દાયકાઓ પહેલા જે પાયો ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ નાખ્યો હતો, તેના પર આજે મોદી-શાહે ભવ્ય વિજયનો મહેલ ચણ્યો છે. બંગાળ હવે એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે, જ્યાં વિકાસ અને રાષ્ટ્રવાદનો સમન્વય જોવા મળશે.





