કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેઓ આજે ગાંધીનગર ખાતે આવેલા પોતાના લોકસભા મતવિસ્તારમાં પહોંચ્યા હતાં. અહીં વિકાસ કામોની સમીક્ષા સાથે અનેક નવનિર્મિત સુવિધાઓનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.
ગાંધીનગરના સેક્ટર–27 વિસ્તારમાં રહેતા તેમના સ્કૂલના શિક્ષક જીવનભાઈ ડાહ્યાભાઈ પટેલને મળવા અમિત શાહ ખાસ પહોંચ્યા હતા. જીવનભાઈ પટેલ હાલમાં 89 વર્ષના છે અને લાંબા સમય સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી છે. અમિત શાહે ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ માણસામાં જીવનભાઈ પાસેથી મેળવ્યું હતું. જીવનભાઈ હાલ પોતાના પરિવારમાં રહે છે. તેમનો પુત્ર નીલમ પટેલ આરોગ્ય ખાતામાં મદદનીશ નિયામક તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પંકજ પટેલ નિવૃત જીવન જીવી રહ્યા છે.
શાહ જ્યારે તેમના શિક્ષકને મળ્યા ત્યારે બંને વચ્ચે હળવી વાતચીત થઈ. અમિત શાહે તેમના આરોગ્ય વિશે પૂછપરછ કરી અને જીવનભાઈના આશીર્વાદ પણ લીધા. શિક્ષક અને વિદ્યાર્થીઓની આ મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકીય વ્યસ્તતા વચ્ચે એક વિદ્યાર્થીનું પોતાની શાળાના ગુરુને મળવા ખાસ જવું સૌને પ્રેરક લાગ્યું છે.
આ મુલાકાતે માનવીય મૂલ્યો, સંસ્કાર અને શિક્ષકો પ્રત્યેના સન્માનની યાદ અપાવી છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ ક્ષણની પ્રશંસા કરી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહની આ મુલાકાત વિકાસ યાત્રા સાથે-સાથે ભાવનાત્મક પળ તરીકે પણ યાદ રહી જશે.






