Home Gujarat Amit Chavda Paper Leak National Epidemic Congress Statement

પેપર લીક દેશ માટે રાષ્ટ્રીય મહામારી સમાન : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

પેપર લીક મુદ્દે નિવેદન આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 20, 2026, 01:51 PM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ દેશમાં વારંવાર બની રહેલા પેપર લીકના બનાવોને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે પેપર લીક હવે માત્ર એક રાજ્યનો નહીં પરંતુ સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય મહામારી સમાન પ્રશ્ન બની ગયો છે. તેમના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી 150થી વધુ પેપર લીકની ઘટનાઓ બની છે, જેના કારણે આશરે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સીધી અસર પહોંચી છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, પરંતુ પેપર લીકની ઘટનાઓના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળે છે. તેમણે દાવો કર્યો કે NEET, JEE, SSC, UPSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ એક વિદ્યાર્થી સરેરાશ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, જેના કારણે પરિવારો પર ભારે આર્થિક બોજ પડે છે.

'શિક્ષણ વ્યવસ્થા પર ભ્રષ્ટ નેટવર્કનો કબજો'

કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે પરીક્ષા પ્રક્રિયામાં કોચિંગ સેન્ટરો, પરીક્ષા કેન્દ્રો, પેપર તૈયાર કરનારા, અનુવાદક, પ્રિન્ટિંગ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો સહિત સમગ્ર સિસ્ટમમાં ભ્રષ્ટ નેટવર્ક સક્રિય છે. તેમના મત મુજબ આ ગોઠવણના કારણે યોગ્ય ઉમેદવારોને ન્યાય મળતો નથી અને પરીક્ષાઓમાં પારદર્શકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે દર વર્ષે આશરે 9 કરોડ યુવાનો સરકારી નોકરીઓ માટે તૈયારી કરે છે, જ્યારે ઉપલબ્ધ જગ્યાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં પેપર લીક જેવી ઘટનાઓ યુવાનોમાં નિરાશા અને અસંતોષ વધારવાનું કામ કરે છે.

ગુજરાતમાં 24થી વધુ પેપર લીક થયાનો દાવો

અમિત ચાવડાએ દાવો કર્યો કે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 24થી વધુ ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે. જેમાં જુનિયર ક્લાર્ક, તલાટી, બિનસચિવાલય ક્લાર્ક, TET-TAT, ઉર્જા વિભાગ, નાયબ ચીટનીશ ક્લાર્ક અને વન ગાર્ડ જેવી ભરતી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓના કારણે હજારો ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવાની ફરજ પડી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ દેશભરમાં 'છાત્રો કી ગુંજ' અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના હક્ક અને પારદર્શક ભરતી પ્રક્રિયાની માંગને લઈને જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં પણ NSUI અને યુવક કોંગ્રેસ આ મુદ્દે સક્રિય રીતે કાર્યક્રમો યોજી રહ્યા છે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે પેપર લીકના બનાવોને રોકવા માટે કડક અને અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ ઉઠાવી છે. કોંગ્રેસનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવામાં આવે અને યુવાનોને ન્યાય તેમજ સન્માન સાથે રોજગારની તક આપવામાં આવે.

'છાત્રો કી ગુંજ' અભિયાનથી વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવશે કોંગ્રેસ

અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ દેશભરમાં 'છાત્રો કી ગુંજ' અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને પ્રાધાન્ય આપી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા પણ પેપર લીક, ભરતીમાં પારદર્શકતા અને યુવાનોના રોજગારના મુદ્દે રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓના અવાજને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં જમીનના વિવાદે લીધો લોહિયાળ વળાંક : બે કાકાની હત્યા, ભત્રીજાએ કર્યો સ્વરક્ષણનો દાવો

પારદર્શક ભરતી પ્રક્રિયા અને કડક કાયદાની માંગ

કોંગ્રેસે કેન્દ્ર સરકારને પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કડક કાયદાનો અસરકારક અમલ કરવા, પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા અને દોષિતો સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ યુવાનોને સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને યોગ્ય રોજગારની તક ઉપલબ્ધ કરાવવાની પણ અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલ સહન કરવામાં આવશે નહીં અને આ મુદ્દે પક્ષની લડત સતત ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now