Ahmedabad Seventh Day School : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈ વિવાદ સર્જાયો છે. AMC દ્વારા શાળાને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરશે. ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણવાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરુરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. હવે COPની પ્રોસિજર કરવામાં આવશે.
સેવન્થ ડે સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડે પેટે આપવામાં આવી હતી. જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડીંગમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાંના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો.
99 વર્ષના ભાડાપટ્ટે લેવાઈ હતી જમીન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2001માં ખોખરા વિસ્તારમાં શૈક્ષણિક હેતુ માટે 99 વર્ષના ભાડાપટ્ટે ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને 10465 ચો.મી. જમીન ફાળવવામાં આવેલી હતી. જેના ઉપર શૈક્ષણિક હેતુ માટે બિલ્ડીંગ બાંધવામાં આવેલી હતી. જોકે જે સંસ્થા સાથે ભાડા પટ્ટાનો કરાર કરવામાં આવ્યો તેના કરતાં અન્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે કોલેજ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ભાજપના સત્તાધીશો દ્વારા એસ્ટેટ વિભાગ પાસે તમામ માહિતી માંગવામાં આવી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા શો- કોઝ નોટીસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો જો કે તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું.
સેવન્થ ડેના સંચાલક કોણ છે?
સેવન્થ ડે સ્કૂલમાં પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી તથા કોલેજના શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં પ્રાયમરી શિક્ષણ મહારાષ્ટ્રના પુણે ખાતે નોંધાયેલી એશ્લોક એજ્યુકેશન સોસાયટી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જ્યારે સેકન્ડરી/ હાયર સેકન્ડરી શિક્ષણ - ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુસન્સ દ્વારા આપવામાં આવે છે. કોલેજનું શિક્ષણ - સેવન્થ ડે એડવન્ટીસ્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ સેવન્થ ડે એડવન્ટીસ્ટ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝ - કોલેજ શિક્ષણ ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુસન્સ દ્વારા આપવામાં આવે છે.
ગેરકાયદેસર બાંધકામ?
સેવન્થ ડે સ્કૂલના વર્ષ 2022ના ઓડિટ રિપોર્ટમાં પણ બિલ્ડીંગ માટે 1.59 લાખ રૂપિયા ભાડું આપવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેથી ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને ભાડું ચૂકવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સેવનથ ડે સ્કૂલમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેના માટે પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી ત્યારબાદ ઇમ્પેક્ટ ફીમાં મંજૂર કરાવવામાં આવ્યું છે.






