Home Gujarat Amc Seals Prabhudas Thakkar Arts Commerce College In Paldi Ahmedabad

પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને AMC એ કરી સીલ : બાકી લેણા વસૂલવા માટે કરાઈ કાર્યવાહી, પરીક્ષા પહેલા જ વિદ્યાર્થી-વાલીઓ ચિંતામાં

પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને AMC એ કરી સીલ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 12:18 PM IST

અમદાવાદમાં બાકી લેણાં વસૂલવાની કાર્યવાહી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલડી વિસ્તારમાં આવેલી સરકાર હસ્તગત પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને સીલ કરવામાં આવી છે. કોલેજ પર પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાના કારણે AMC તંત્રએ પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરી દેતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.

વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

ખાસ કરીને હાલ મધ્યસત્ર દરમિયાન કામગીરી ચાલી રહી હોવાથી અને યુનિવર્સિટીની હોલ ટિકિટ વહેંચણી ચાલુ હોવા છતાં કોલેજ સીલ થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના અભ્યાસ પર અસર થવાની સંભાવના ઊભી થઈ છે.

વહીવટદાર કાર્યરત હોવા છતાં પ્રોપર્ટી ટેક્સ બાકી!

આ ઘટનાને લઈને કોલેજના અધ્યાપક મંડળ દ્વારા શૈક્ષણિક સંસ્થાનું સીલ ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક સીલ ખોલવાની માંગ AMC સમક્ષ કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી કોલેજમાં સરકારી વહીવટદાર કાર્યરત હોવા છતાં પ્રોપર્ટી ટેક્સ બાકી રહેતાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં

સરકાર હસ્તગત સંસ્થા હોવા છતાં આવી સ્થિતિ સર્જાતાં વહીવટી કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. હાલ સમગ્ર મામલે AMC તરફથી આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેની તરફ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતની નજર મંડાયેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now