Home National Ambedkar Jayanti 2026 Pm Modi Smiles Mallikarjun Kharge Parliament Video

સંસદમાં લોકશાહીની સુંદર તસવીર : પહેલા હાથ મિલાવ્યો અને પછી ખડગેએ એવું શું કહ્યું કે PM મોદી ખડખડાટ હસી પડ્યા?

PM Modi Mallikarjun Kharge Parliament Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 11:43 AM IST

Ambedkar Jayanti 2026: ભારતીય લોકશાહીમાં રાજકીય મતભેદો હોવા છતાં વ્યક્તિગત સૌજન્ય અને આદરના દ્રશ્યો ક્યારેક વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. આજે ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનના 'પ્રેરણા સ્થળ' પર આવું જ કંઈક જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે જ્યારે શ્રદ્ધાંજલિ અર્પવા માટે એકત્ર થયા, ત્યારે બંને નેતાઓ વચ્ચે અત્યંત સૌહાર્દપૂર્ણ મુલાકાત થઈ હતી. બંનેએ એકબીજાનું અભિવાદન ઝીલ્યું હતું અને થોડી ક્ષણો સુધી વાતચીત કરી હતી, જેના કારણે બંને નેતાઓ ખડખડાટ હસતા કેમેરામાં કેદ થયા હતા.

પહેલા હાથ મિલાવ્યો અને પછી હાસ્યની છોળો ઊડી

સંસદ સંકુલમાં આયોજિત આ કાર્યક્રમમાં જ્યારે PM મોદી પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં હાજર તમામ વિપક્ષી નેતાઓનું અભિવાદન કર્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ આગળ વધીને PM મોદી સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન ખડગેએ PM મોદીને કંઈક એવું કહ્યું કે પ્રધાનમંત્રી પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા. આ હળવી ક્ષણ એ સમયે જોવા મળી જ્યારે દેશના દિગ્ગજ નેતાઓ બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ અર્પી રહ્યા હતા. આ અગાઉ સંસદમાં PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે પણ આવી જ રીતે હળવી ચર્ચા થતી જોવા મળી હતી.

દિગ્ગજ નેતાઓની હાજરીમાં આંબેડકરને શ્રદ્ધાંજલિ

આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ અને સીપી રાધાકૃષ્ણન સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. તમામ નેતાઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા હતા. PM મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, બાબા સાહેબના વિચારો અને કાર્યો આજે પણ કરોડો ભારતીયોને પ્રેરણા આપે છે અને દેશ નિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.

આ પણ વાંચો: નીતીશના રાજકીય વારસદાર ગણાતા સમ્રાટ ચૌધરી કોણ છે? : જાણો બિહારની રાજનીતિના 'નવા સમ્રાટ'ના વધતા પ્રભાવ પાછળની કહાની

ખડગે અને રાહુલ ગાંધીએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ડૉ. આંબેડકરને દ્રષ્ટાવાન નેતા ગણાવતા કહ્યું હતું કે, તેમણે ભારતને એવા બંધારણીય મૂલ્યો આપ્યા છે જે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપે છે. ખડગેએ ભારપૂર્વક જણાવ્યું કે આપણે આ મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ. આ સાથે જ રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા દ્વારા બાબા સાહેબના આદર્શોને જાળવી રાખવાની અપીલ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now