Ambalal Patel Prediction: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને સુર્યનારાયણ આકરા તેવર બતાવશે. ખાસ કરીને રાજ્યના વિવિધ ભાગોમાં પારો 43 ડિગ્રીને પાર કરી શકે છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. લોકોએ હજુ થોડા દિવસ આકરી લૂ અને ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
જોકે, આ આકરી ગરમી વચ્ચે અંબાલાલ પટેલે એક રાહતના સમાચાર પણ આપ્યા છે. તેમના મતે, એપ્રિલના અંતમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે અને મે મહિનાની શરૂઆતમાં અચાનક વાતાવરણ પલટાવાની શક્યતા છે. આ પલટાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી છાંટા પડી શકે છે, જે ગરમીથી થોડા અંશે રાહત અપાવી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 43 ડિગ્રીને પાર જશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીની સૌથી વધુ અસર જોવા મળશે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તેવી જ રીતે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ તાપમાન 42 થી 43 ડિગ્રીની આસપાસ રહેશે, જે સામાન્ય કરતા વધુ ગરમીનો અહેસાસ કરાવશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે ગરમીનો બેવડો માર
માત્ર મેદાની પ્રદેશો જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ તાપમાન ઉંચું રહેવાની આગાહી છે. અહીં ગરમીની સાથે પવનનો પ્રભાવ પણ વધુ જોવા મળશે. ગરમ પવન ફૂંકાવાને કારણે 'લૂ' લાગવાની શક્યતા વધી જાય છે. કચ્છના રણ વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં બપોરના સમયે આકરા તાપને લીધે જનજીવન પ્રભાવિત થશે.
ક્યારે મળશે ગરમીથી રાહત? મે મહિનામાં વરસાદની આગાહી
ગરમીથી તોબા પોકારી ઉઠેલા ગુજરાતીઓ માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તા. 28 અને 29 એપ્રિલ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, મે મહિનાની શરૂઆતમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે સ્થાનિક વાતાવરણના કારણે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે.





