Gujarat Politics: છેલ્લાં કેટલાંય વર્ષોથી આગાહીકાર અંબાલાલ પટેલ વરસાદ, વાવાઝોડા અને ભૂકંપ સહિતની વાતાવરણ સંબંધિત આાગાહીઓ કરતા આવે છે. ટ્રેક રેકોર્ડ એવો પણ છેકે, તેમણે કરેલી મોટા ભાગની આગાહીઓ સાચી પણ ઠરી છે. આકાશ જોઈને હવામાનનું અનુમાન કરવાની તેમની પાસે ગજબની કળા છે. જોકે, ગ્રહો અને નક્ષત્રોની ચાલને આધારે તેમણે આ વખતે રાજકારણ સંબંધી નવાજૂના પણ સંકેત આપી દીધાં છે.
ઓગસ્ટમાં બદલાઈ શકે છે રાજકારણની હવાઃ
સામાન્ય રીતે ઓગસ્ટને ક્રાંતિનો મહિનો કહેવામાં આવે છે. ત્યારે અંબાલાલ પટેલે ઓગસ્ટ માસમાં રાજકીય ક્રાંતિની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી ને અનુરૂપ ધીરે ધીરે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. અંબાલાલ પટેલે એવી આગાહી કરી છેકે, આગામી ઓગસ્ટ માસ રાજકીય દ્રષ્ટિએ અત્યંત ઉથલપાથલ ભરેલો સાબિત થઈ શકે છે. તેમના મતાનુસાર ઓગસ્ટ મહિનો માત્ર ભવિષ્યની રાજકીય ચળવળ માટે નહીં બલકે ગુજરાત અને કેન્માં બેઠેલી સરકાર બન્ને માટે નવી પડકારસભર દિશા માટે ચિંતાનું કારણ બની શકે છે.
ઓગસ્ટ - રાજકીય ચળવળનો મહિનો:
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ માસમાં ગ્રહો અને નક્ષત્રોની રચના એવી છે કે તે રાજકીય ધ્રુવીકરણ, પક્ષ પલટા, અને આંતરિક ખેંચતાણ જેવા ઘટનાઓ માટે અનુકૂળ માહોલ ઉભો કરી શકે છે. તેમનું માનવું છે કે, ભલે સરકારની કામગીરી સારી હોય, છતાં આકાશી ઘટનાઓ રાજકીય અસ્થિરતા લાવી શકે છે.પક્ષોના આંતરિક વિખવાદો, નવા સંગઠનોએ જોર પકડવું, તથા વરિષ્ઠ નેતાઓ સામે અસંતોષ ઉગમવો - આવા સંકેતો ગ્રહોએ આપ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રમુખ કોણ?
ગુજરાત કોંગ્રેસમાં હાલમાં પ્રમુખ પદ માટે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જિલ્લામાંથી રાજ્ય સુધી નવી પસંદગીની પદ્ધતિ અપનાવવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાંટાળા તાજ માટે કોણ-કોણ છે પ્રમુખ પદની રેસમાં?
વિસાવદર અને મહેસાણાની પેટા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. ત્યારે તેમના રજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે હાલ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. જોકે, ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો તાજ હંમેશાથી કાંટાળો જ રહ્યો છે. તેમ છતાં આ પદ મેળવવા માટે OBC માંથી અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ, પાટીદાર સમાજમાંથી પરેશ પટેલ, જ્યારે જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર પણ આ રેસમાં સામેલ છે. આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રમુખની પસંદગી કરવામાં આવશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ આવશે?
નવસારીના સાંસદ સી.આર.પાટીલ હાલ કેન્દ્રીય મંત્રી હોવાની સાથો-સાથ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પણ છે. પ્રમુખ તરીકેની તેમની ટર્મ પુરી થયા બાદ પણ બીજા કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને જ ચાલુ રાખવાનું ભાજપના મોવળી મંડળે નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે હજુ સુધી સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ પદે કાર્યરત છે. પરંતુ હવે નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપમાં પણ રેસ લાગી છે. જોકે, ભાજપના નેતાઓને ખબર છેકે, અહીં કોઈની ઓળખાણ નહીં ચાલે. રાજધાનીમાં બેસેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરતા હોય છે. તેથી ગુજરાત ભાજપના નવા પ્રમુખ અંગેનો નિર્ણય પણ આ જોડી જ લેશે.
ઈટાલિયા અને અમૃતિયાની બબાલ- રાજનીતિના ખરાબ હવામાનની શરૂઆતઃ
વિસાવદરની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ધારાસભ્ય બનેલાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર રાજકીય મંચ પર મજબૂત રીતે પગ જમાવવા પ્રયાસ કરી રહ્યાં છે. અગાઉ આમ આદમી પાર્ટીમાં પ્રમુખ પદ સાથે વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો ભાર ઉપાડી ચૂકેલાં ઈટાલિયા આજકાલ પેટાચૂંટણીમાં થયેલી જીતના જશ્નમાં દેખાઈ રહ્યાં છે. કોન્સ્ટેબલ તરીકે ની નોકરીમાં વિવાદોમાં સપડાયેલાં ગોપાલ ઈટાલિયા હાલ ધારાસભ્ય બનીને ગુજરાતની રાજનીતિમાં નવો એકડો ઘૂંટવાનો પ્રયાસ કરી રહ્યાં છે. AAPથી વિસાવદરના ધારાસભ્ય બનેલાં ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે હાલ ભારે બબાલ ચાલી રહી છે. આ બન્ને નેતાઓ વચ્ચે ચાલી રહેલી પડકારની રાજનીતિ હવે ગુજરાતના રાજકારણને અસર કરશે તેવી સંભાવના રાજકીય પંડિતો પણ વ્યક્ત કરી રહ્યાં છે. જેમાં માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ જ નહીં પણ પાટીદાર સમાજ વચ્ચે પડતી તિરાડને પણ એક લડાઈ તરીકે પ્રસ્થાપિત કરે છે.
આમ, અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના રાજનેતાઓએ આગામી ઓગસ્ટ માસને રાજકીય રીતે સામાન્ય ન ગણવો જોઈએ. એ માત્ર હવામાન નહીં, પણ ગુજરાતના રાજકારણની હવા બદલી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ હવે આગામી ઓગસ્ટ માસથી જ થઈ જશે તેવું હાલ સમયની ચાલ બતાવી રહી છે. રાજકીય પક્ષો પણ તેને ધ્યાનમાં રાખીને જ પોતાની વ્યૂરચના ઘડી રહ્યાં છે. રાજકીય પવનની દિશા બદલાય તે પહેલાં, નેતાઓએ દિશાસૂચક સંકેતોને સમજી લેવો હવે અનિવાર્ય બની ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





