ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા, યુવાશક્તિના જાગરણ, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ અંગે ચિંતન કરવા માટે રામકથા મેદાનમાં ભવ્ય રીતે ‘અભ્યુદય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાંથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. શરૂઆતમાં રાત્રે 3 વાગ્યે સંમેલન રાખવામાં આવતાં અનેક શંકા-કુશંકાઓ ઉભી થઈ હતી, પરંતુ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજરી જોઈને સ્પષ્ટ થયું કે સમાજમાં એકતા અને જાગૃતિનો ભાવ મજબૂત થયો છે. સંમેલનનો મુખ્ય એજન્ડા સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો.
ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન
સંમેલનની શરૂઆત સરસ્વતી વંદના સાથે ભવ્ય રીતે કરવામાં આવી હતી. ત્યારબાદ ઢોલીઓના તાલે અને ગરબાના રંગે સમગ્ર વાતાવરણ બન્યું ગયું હતું. લોકપ્રિય કલાકારો રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીતો પર સમાજના લોકો ઝંડા ફરકાવતા ઉત્સાહભેર નાચતા જોવા મળ્યા. સાંસદોથી લઈને નેતાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવેલી વાતોને સમાજના લોકોએ આત્મસાત કરી, એકજૂટ થઈને આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.
ઠાકોર સમાજના રાજકીય શ્રેષ્ઠીઓ એક મંચ પર
આ મહાસંમેલનમાં સમાજ સાથે રાજકીય શ્રેષ્ઠીઓ પણ એક જ મંચ પર જોવા મળ્યા હતા. વર્તમાન તેમજ પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોની હાજરીએ સંમેલનની ભવ્યતા વધારી હતી. અલ્પેશ ઠાકોરે પોતાના ભાષણમાં જણાવ્યું કે, તેઓ વર્ષોથી ઠાકોર સમાજ વચ્ચે ફરી રહ્યા છે અને રાજ્યના તમામ વિસ્તારોમાં ફર્યા પછી તેમણે અનુભવ્યું છે કે પોતાનું કાર્ય કોઈ રાતોરાત થયું નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઠાકોર સમાજનું સંગઠન સ્થાપિત કરીને બનાસકાંઠાના ઠાકોરોથી લઈને અમદાવાદ સુધી સૌને એક ઓળખ આપવાનું કાર્ય છેલ્લા 15 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે.
'જો હું સમાજને કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ'
અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'જો હું સમાજને કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ' તેમણે સમાજને સંદેશ આપ્યો કે ઠાકોર સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે અને એકબીજાની સાથે ઉભા રહીને આગળ વધવું પડશે.
ગેનીબેનને ડીજે સંસ્કૃતિ અંગે વિચારવા માટે વિક્રમ ઠાકોરની વિનંતી
સંમેલન દરમિયાન ગેનીબેનને ડીજે સંસ્કૃતિ અંગે વિચારવા માટે વિક્રમ ઠાકોર દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી. સમગ્ર સંમેલન દરમિયાન સમાજની એકતા, શિક્ષણનું મહત્વ, યુવાશક્તિને સાચી દિશામાં દોરવાની જરૂરિયાત અને સમાજના વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવાની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી. અભ્યુદય મહાસંમેલન સમાજ માટે એક નવો ઉત્સાહ, નવી દિશા અને ભવિષ્ય માટે મજબૂત સંકલ્પ લઈને પૂર્ણ થયું.




















