Home Gujarat Allegations Of Molestation Against Vice Dean At Baroda Medical College

વડોદરા મેડિકલ કોલેજમાં વાઇસ ડીન પર અડપલાના આક્ષેપો : વિદ્યાર્થિનીઓએ કહ્યું - 'હાથ પકડી શરીર સાથે ઘસાવ્યા', પદ પરથી હટાવાયા

વડોદરા મેડિકલ કોલેજમાં વાઇસ ડીન પર અડપલાના આક્ષેપો
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 11:19 AM IST

Baroda Medical College માં વાઈસ ડીન તરીકે ફરજ બજાવતા પ્રોફેસર ડૉ. અમોલ ભાવે સામે ગંભીર આક્ષેપો ઉઠતાં શૈક્ષણિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓએ વાયવા દરમિયાન બેહુદુ વર્તન અને અયોગ્ય સ્પર્શ અંગે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે વાયવા દરમ્યાન પ્રોફેસરે તેમના હાથ પકડી શરીર સાથે ઘસાવ્યા અને અશોભનીય વર્તન કર્યું હતું.

આક્ષેપોને પગલે વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર ડૉ. અમોલ ભાવે વિરુદ્ધ સત્તાવાર રજૂઆત કરી છે. કોલેજ પ્રશાસને મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને સમગ્ર તપાસ વિમેન્સ હેરેસમેન્ટ વિભાગને સોંપી છે. પ્રાથમિક પગલાંરૂપે આક્ષેપિત પ્રોફેસરને વાઈસ ડીન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

કોલેજ તરફથી જણાવાયું છે કે ફરિયાદ મળતાની સાથે જ આંતરિક સમિતિ રચી નિયમિત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે નહીં, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. સમિતિ દ્વારા વિદ્યાર્થિનીઓના નિવેદનો અને સંબંધિત પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ મામલે પ્રોફેસર ડૉ. અમોલ ભાવે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “હું છેલ્લા 28 વર્ષથી અહીં સેવા આપી રહ્યો છું. મારી સામે આ પ્રકારનો આક્ષેપ ક્યારેય થયો નથી. આવી ફરિયાદથી મને આશ્ચર્ય થયું છે. વિદ્યાર્થીઓ મારા માટે દીકરા-દીકરી સમાન છે, તેમના વિષે હું આવું વિચારી પણ શકું નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું કે તપાસ સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે અને સમિતિના અધ્યક્ષ હાલ બહાર હોવાથી અંતિમ નિર્ણય આવ્યો નથી.

આ માત્ર એક 'ગેરસમજ' છે - એસોસીએટેડ પ્રોફેસર

તો બીજી તરફ, ડો. અમોલ ભાવેએ આ સમગ્ર મામલે જણાવ્યું છે કે, આ માત્ર એક 'ગેરસમજ' છે અને તેમનો ઈરાદો ખોટો નહોતો. તેઓ વર્ષોથી બરોડા મેડિકલ કોલેજ મા સેવા આપી રહ્યા છે. પરંતુ આવુ પહેલી વાર બન્યું છે. સાથે જ તેઓએ વિધાર્થિનીઓ ના આક્ષેપ પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતુ. તેમ છતાંય વિદ્યાર્થીનીઓને કોઈ બાબતનું મનદુઃખ હોય તો તેઓએ માફી માંગી હતી.

હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને સમિતિનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફ વર્ગમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now