ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવાર 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રોએ પહોંચી બેઠક વ્યવસ્થા નિહાળી હતી, જેથી પરીક્ષા દિવસે કોઈ ગેરસમજ ન રહે. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું છે.
વડોદરા શહેર અને જિલ્લામાંથી ધોરણ 10 અને 12ના કુલ 72,668 વિદ્યાર્થીઓ 267 પરીક્ષા કેન્દ્રોના 2,572 બ્લોકમાં પરીક્ષા આપશે. પરીક્ષાઓ સુચારૂ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આજથી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાં સવારના 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી વિદ્યાર્થી અને વાલીઓ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. આ સેવા 18 માર્ચ સુધી, એટલે કે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. એસટી વિભાગ, એમજીવીસીએલ સહિત સંબંધિત વિભાગોને પણ જરૂરી વ્યવસ્થાઓ જાળવવા સૂચનાઓ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અવરજવર અને વીજ પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓમાં કોઈ અડચણ ન આવે.
બીમાર અથવા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા રાઈટર (Writer) સુવિધા આપવામાં આવી છે. ધોરણ 10ના 30 અને ધોરણ 12ના 14 એમ કુલ 44 વિદ્યાર્થીઓએ નિયમ મુજબ અરજી કરી હતી અને તમામને આ સુવિધા મંજૂર કરવામાં આવી છે.
પ્રથમ વખત બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વિવિધ કેન્દ્રોએ ખાસ આયોજન કર્યું છે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.






