Bhavnagar News: શહેરના લાખો નાગરિકો અને વેપારી વર્ગ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગર એરપોર્ટ પર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વિમાનોની ઘરઘરાટી સંભળાશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક સીધી ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
કનેક્ટિવિટીમાં થશે મોટો સુધારો
આવતીકાલથી શરૂ થનારી આ વિમાન સેવા અંતર્ગત દરરોજ એક ફ્લાઈટ ભાવનગરથી નવી મુંબઈ અને એક ફ્લાઈટ નવી મુંબઈથી ભાવનગર વચ્ચે ઉડાન ભરશે. આ સેવાથી હીરા ઉદ્યોગ અને શિપ બ્રેકિંગ યાર્ડ સાથે જોડાયેલા વેપારીઓને મુંબઈ જવા-આવવા માટે સરળતા રહેશે. રોડ કે ટ્રેન માર્ગે થતી કલાકોની મુસાફરી હવે મિનિટોમાં પૂર્ણ થશે. અન્ય શહેરો સાથે સીધું જોડાણ મળતા પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાના સઘન પ્રયત્નોને આ સેવા શરૂ થવા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ એવિએશન મિનિસ્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સહિતના મહાનુભાવો હાજર રહેશે.
કોંગ્રેસના આક્ષેપ: "ચૂંટણીલક્ષી ગિમીક"
એક તરફ જ્યાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ આ પ્રોજેક્ટ વિવાદોમાં પણ ઘેરાયો છે. સ્થાનિક કોંગ્રેસ સમિતિએ આ હવાઈ સેવાને "ચૂંટણી લક્ષી" ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસના મુખ્ય મુદ્દાઓ
કોંગ્રેસના મતે ભાવનગરથી નવી મુંબઈના ટિકિટના દર અંતરની સરખામણીએ ખૂબ જ વધારે છે. લોકો માટે અમદાવાદ જઈને ત્યાંથી મુંબઈની ફ્લાઈટ પકડવી વધુ સસ્તી અને અનુકૂળ પડે છે. ઊંચા ભાડા અને ઓછી પેસેન્જર સંખ્યાને કારણે આ ફ્લાઈટ લાંબો સમય ચાલશે કે કેમ તે અંગે વિપક્ષે શંકા વ્યક્ત કરી છે.
આગામી પડકારો
ભાવનગર માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે કે સફેદ હાથી, તે તો સમય જ બતાવશે. હાલ પૂરતું તો એરપોર્ટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને લોકોમાં આ નવી શરૂઆતને લઈને કુતૂહલ જોવા મળી રહ્યું છે.. જો ભાડામાં થોડો ઘટાડો કરવામાં આવે અને સમયપત્રક જાળવવામાં આવે, તો ચોક્કસપણે આ સેવા ભાવનગરના વિકાસમાં નવું છોગું ઉમેરશે.






