Bharuch Air Force feats : ભરૂચ જિલ્લામાં આજે અંકલેશ્વરના આકાશમાં એક અનોખા દ્રશ્ય સર્જાયા હતા. ભારતીય વાયુસેનાના પ્રખ્યાત ‘સારંગ’ હેલિકોપ્ટર ટીમે પોતાના બહાદુરીભર્યા હવાઈ કરતબો રજૂ કરતાં લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા. આકર્ષક સ્ટંટ્સ અને અદભૂત હેલિકોપ્ટર ફોર્મેશન્સે સમગ્ર વિસ્તારનું ધ્યાન આકાશ તરફ ખેંચી લીધું હતું.
દિલધડક કરતબો
સારંગ ટીમ સાથે ભારતીય વાયુસેનાની ‘આકાશગંગા’ સ્કાયડાઇવિંગ ટીમે પણ ઉમદા કૌશલ્યનો નજારો રજૂ કર્યો હતો. બંને ટીમોએ મળીને હવામાં એવા દિલધડક પર્ફોર્મન્સ આપ્યા કે લોકોમાં દેશપ્રેમ અને ગર્વની લાગણી છલકાઈ ઉઠી. આકાશગંગા ટીમના જવાનોએ ઉંચાઈથી ઝંપલાવી સચોટ રીતે નિર્ધારિત સ્થળે લેન્ડિંગ કરીને પોતાની કુશળતા સાબિત કરી હતી.
લોકો આશ્ચર્યચકિત થઈ ગયા!
અંકલેશ્વરના આકાશમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની ગર્જના, તેમના અદભૂત વળાંકો, હેલિકોપ્ટરને એક ચોક્કસ ઍંગલ પર નિયંત્રિત કરવાની કલા, આ બધું જ લોકો માટે યાદગાર ક્ષણો બની ગઈ હતી. ભારતીય વાયુસેનાની પ્રસ્તુતિઓનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં વાયોસેનાના શક્તિપ્રદર્શન, શિસ્ત અને શૌર્ય વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અંકલેશ્વરે આજે આ અનોખું પ્રદર્શન જોઈને ગર્વ અનુભવો હતો એવું રહેવાસીઓએ જણાવ્યું હતું.






