અમદાવાદ શહેરમાં 26 ફેબ્રુઆરીના રોજ શહેરના સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી મંદિરની ભવ્ય નગરયાત્રા ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભાવે યોજાઈ હતી. દર વર્ષે ઉજવાતો આ પવિત્ર દિવસ શહેરવાસીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ સવારથી જ ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. વહેલી સવારે નગરયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પરંપરાગત પહિંદ વિધિ કરીને યાત્રાને પ્રારંભ કરાવ્યો હતો.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા
નગરયાત્રા અંદાજે 6.25 કિલોમીટર લાંબી છે અને ઢોલ-નગારા, શંખનાદ અને અખાડાના રોમાંચક કરતબો સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી છે. યાત્રામાં માતાજીનો સુશોભિત રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રસ્તા પર ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ‘જય માતાજી’ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. મહિલાઓ, યુવાનો અને વડીલો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
માણેકચોકમાં માતાજીનું ભવ્ય સ્વાગત કરી અને આરતી ઉતારાઈ
યાત્રા માણેકચોક પહોંચતા માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શ્રદ્ધાપૂર્વક આરતી ઉતારવામાં આવી. મંદિર અને આસપાસનો વિસ્તાર રંગબેરંગી સજાવટથી ઝગમગી ઉઠ્યો. યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રાખવામાં આવ્યા હતા. સાથે સાથે વાહન વ્યવહાર સુચારુ રહે તે માટે વૈકલ્પિક માર્ગોની પણ જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રીતે અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી ભક્તિ, પરંપરા અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી.




















