Home Gujarat Ahmedabads Busy Subhash Bridge Will Be Demolished

અમદાવાદનો વ્યસ્ત સુભાષ બ્રિજ તોડી પડાશે! : તપાસ એજન્સીએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પો સૂચવ્યા, આજે લેવાશે આખરી નિર્ણય

અમદાવાદનો વ્યસ્ત સુભાષ બ્રિજ તોડી પડાશે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 06:56 AM IST

Dilapidated Subhash Bridge : અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજની હાલતને લઈને વિવિધ નિષ્ણાત કન્સલ્ટન્ટ એજન્સીઓ પાસે વિગતવાર ટેસ્ટિંગ અને તપાસ કરાવી હતી. આ તપાસ બાદ કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી છે.

બ્રિજમાં તિરાડ પડી હોવાથી બંધ છે

ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરના રોજ સુભાષ બ્રિજમાં તિરાડ પડી હોવાની અને બ્રિજના એક સ્પાનનો ભાગ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે બ્રિજની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારબાદ AMC દ્વારા અલગ-અલગ નિષ્ણાત એજન્સીઓ પાસેથી બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ અને ટેકનિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં ત્રણ વિકલ્પો સૂચવ્યા

કન્સલ્ટન્ટ એજન્સીઓએ તેમના રિપોર્ટમાં ત્રણ વિકલ્પો સૂચવ્યા હતા. પહેલો વિકલ્પ બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાનો હતો. બીજો વિકલ્પ ક્ષતિગ્રસ્ત થયેલા સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઊભો કરીને બ્રિજને મજબૂત બનાવવાનો હતો. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજના ઉપરના તમામ સ્ટ્રક્ચરને ઉતારી તેના સ્થાને સ્ટીલનું સ્ટ્રક્ચર ઉભું કરીને બ્રિજને ફરી શરૂ કરવાનો હતો.

નવો બ્રિજ બનાવવાનો વિકલ્પ સૌથી યોગ્ય

જો કે નાગરિકોની સલામતી અને શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને AMC દ્વારા જૂના સુભાષ બ્રિજને તોડી પાડીને નવો બ્રિજ બનાવવાનો વિકલ્પ સૌથી યોગ્ય અને સુરક્ષિત માનવામાં આવ્યો છે. સૂત્રો મુજબ નવો સુભાષ બ્રિજ અગાઉ કરતાં વધુ મોટો અને પહોળો બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વધતા ટ્રાફિકનો પણ યોગ્ય રીતે સામનો કરી શકાય.

સત્તાવાર જાહેરાત આજે કરાઈ શકે

આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સુભાષ બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાનો નિર્ણય શહેરની સુરક્ષા અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now