Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુરમાં તો જાણે રીતસર સ્પાનું બજાર ભરાય છે. મોટા વેપારીઓથી લઈને નબીરાઓ સુધી સૌ કોઈ અહીં વહેલી સવારથી થાક ઉતારવા આવી જાય છે. સાંજ પડતા અને અંધારું થતા તો અહીં થાઈલેન્ડ જેવો માહોલ ઉભો થઈ જાય છે. એવામાં આજ સ્પા ના બજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અહીંના સ્પા સેન્ટરમાં થેરાપીસ્ટ તરીકે કામ કરતી એક યુવતીએ સ્પા માલિક સહિત ત્રણ શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સ્પા માલિક સહિત ત્રણ શખ્સોએ પોતાના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુવતીએ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કામા સ્પામાં થેરાપીસ્ટ તરીકે કામ કરતી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે આ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છેકે, તે પોતાના પરિવારની આર્થિક જરુરિયાત માટે સ્પામાં કામ કરતી હતી. તેને જે રૂપિયા મળતા હતા તે એક વ્યકિત પાસે જમા કરાવતી હતી. અમદાવાદ છોડીને જ્યારે તેના વતન જાય ત્યારે સાથે લઈ જવા માટે તેને રૂ. 1.45 લાખ ભેગા કર્યા હતા. એક દિવસ યુવતી દરરોજની માફક સ્પા પર ફરજ બજાવી રહી હતી ત્યારે સ્પામાં મેનેજર તરીકે કામ કરતો રોહિત તિવારી તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, 'તારે જો અહીં કામ કરવું હોય તો હું કહું તેમ કરવું પડશે'. રોહિતે સ્પાની અંદર જ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.
સ્પા માલિક સહિત ત્રણ શખ્સોએ આચર્યું દુષ્કર્મઃ
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કામા સ્પાના મેનેજર ઉપરાંત સ્પાના માલિક ચિંતન પંડ્યા અને અન્ય એક વ્યકિત સાવન પુરબિયાએ પણ અલગ અલગ સમયે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની અને પૈસા પડાવી લીધાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં પણ એવું જ ચિત્ર જોવા મળ્યુંઃ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા રોયલ વેલનેસ સ્પામાં એક મહિલાકર્મી પર માલિક ભરતે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભરતે સ્પામાં કામ કરતી મહિલાને "મારે સેક્સ જ કરવું છે" કહી બળજબરીથી ટેબલ પર સુવડાવી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાએ નોકરી છોડી બીજી જગ્યાએ જોડાવાનું નક્કી કરતા આરોપી ત્યાં પહોંચી ફડાકા ઝીંકી હુમલો કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે.
ઉલ્લેખનીય છેકે, મેગાસીટી અમદાવાદને હવે મુંબઈ-દિલ્લી જેવા મેટ્રોસીટીની હવા લાગી છે. એ જ કારણ છેકે, અમદાવાદમાં હવે ઠેર-ઠેર સ્પા ના નામે ખોટા ધંધાઓ શરૂ થઈ ગયા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વધી રહેલા સ્પાની અંદર કામ કરતી થેરાપીસ્ટ યુવતીઓ મોટાભાગે નોર્થ ઇન્ડિયાની હોય છે. તેમાં પણ યુવતીઓ પોતાની મજબૂરીમાં પોતાનું શરીર અલગ અલગ લોકોને સોંપવામાં મજબૂર કરે છે અને તેના માટે તેને સ્પાના સંચાલકો મજબૂર કરતા હોવાનું પણ ઘણીવાર સામે આવી ચુક્યું છે.
આ પ્રકારના કેસો સામે કડક કાર્યવાહી કરી કાયદેસર પગલાં લેવાં જરૂરી છે. પોલીસ તપાસ પૂરતી નથી – રાજ્ય સરકાર, મહિલા આયોગ અને મ્યુનિસિપલ અધિકારીઓએ પણ કડક નીતિ ઘડવી જોઈએ જેથી આવા વ્યવસાયો ઉપર દેખરેખ વધારી શકાય. મહિલાઓના કામ સ્થળે શોષણ સામે રક્ષણ માટે કાયદાઓ તો છે, પણ તંત્રની નરમાઈ અને પીડિતાની મજબૂરીઓને કારણે આવા કિસ્સાઓ સમયસર સામે આવતા નથી.






