અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ અને સુરત સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટે આપેલા નિર્ણયને યથાવત રાખતાં 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને કન્ફર્મ કરી છે. ઉપરાંત 11 દોષિતોને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને પણ યથાવત રાખવામાં આવી છે.
આ કેસમાં કુલ 49 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સરકાર પક્ષે તમામ દોષિતો સામે કાવતરાના પુરાવા તેમજ અન્ય પુરાવાઓ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. હાઈકોર્ટે આ પુરાવાઓના આધારે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હોવાનું સામે આવ્યું છે.
લાંબી સુનાવણી બાદ આવ્યો ચુકાદો
આ કેસની સુનાવણી 2025ના માર્ચ મહિનાથી નિયમિત ધોરણે ચાલી રહી હતી. જ્યારે જાન્યુઆરીથી દરરોજ પૂર્ણ સમયની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લાંબી દલીલો અને પુરાવાઓની તપાસ બાદ આજે ડિવિઝન બેન્ચે પોતાનો ચુકાદો જાહેર કર્યો.
વિશેષ સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ નિર્ણય સામે દાખલ થયેલી અપીલો તથા ડેથ રેફરન્સ કેસ પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આજે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જોકે, સંપૂર્ણ ચુકાદો હજુ અપલોડ થયો ન હોવાથી તેના અન્ય પાસાઓ અંગે હાલ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નહીં હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: "ભારતમાં આતંકવાદ માટે કોઈ જગ્યા નથી" : હાઈકોર્ટના ચુકાદા બાદ હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
પીડિતોના પરિવારને વધારાનું વળતર
હાઈકોર્ટે રાજ્ય સરકારને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂ. 5 લાખ અને સામાન્ય ઇજા પામેલા લોકોને રૂ. 1 લાખ વળતર ચૂકવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને આ વળતરની રકમ 31 માર્ચ, 2027 સુધીમાં ચૂકવી આપવા જણાવ્યું છે. અમિત પટેલે જણાવ્યું કે હાલ સરકાર તરફથી કોઈ તાત્કાલિક કાનૂની પગલું લેવાનું નથી. હાઈકોર્ટના સંપૂર્ણ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ જ આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.





