Home Gujarat Ahmedabad Senior Citizen Professor Falls Victim To Digital Arrest

અમદાવાદના વરિષ્ઠ પ્રોફેસર બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર : ED અધિકારી બની આચર્યું કૌંભાડ! ચીની ગેંગ સાથે જોડાયેલા 12 આરોપીઓ ઝડપાયા

અમદાવાદના વરિષ્ઠ પ્રોફેસર બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 04:07 PM IST

Ahmedabad Digital Arrest: અમદાવાદમાં એક વરિષ્ઠ નાગરિક પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટના નામે છેતરીને મોટી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ પોતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી તરીકે ઓળખ આપીને ફરિયાદીને ફસાવ્યા હતા. પોલીસની તપાસમાં આ કૌભાંડના તાર રાજસ્થાન, કંબોડિયા અને ચીની ગેંગ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

મની લોન્ડરિંગના આરોપમાં ફરિયાદીને ફસાવ્યા

આરોપીઓએ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) અને EDના બનાવટી પત્રો મોકલીને મની લોન્ડરિંગના આરોપમાં ફરિયાદીને ફસાવ્યા હતા. તેઓએ ફરિયાદીને કંબોડિયાથી કોલ કરીને ધમકીઓ આપી અને તેમની પાસેથી મેળવેલી રકમને ચાર અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. આ એકાઉન્ટ્સ જનક, અનિકેત, હિતેન્દ્ર અને નયન જેવા વ્યક્તિઓના હતા, જેમને પ્રત્યેક ટ્રાન્સફર પર 25 હજાર રૂપિયા મળતા હતા.

આરોપીઓ રાજસ્થાનના કેટલાક વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતા

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના કેટલાક વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતા અને તેઓના કોલ સીમબોક્સ, વોટ્સએપ તેમજ વીપીએન નંબરોના માધ્યમથી કરવામાં આવતા હતા. છેતરપિંડીમાંથી મેળવેલા રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીની ગેંગને મોકલવામાં આવતા હતા. આ ચીની ગેંગ આરોપીઓને પોલીસની જાળમાંથી બચવાની તાલીમ પણ આપતી હતી. આરોપી હિતેન્દ્ર સોલંકી, અનિકેત અને અન્યને કમિશન મળતું હતું. પૂછપરછમાં હિતેન્દ્ર સોલંકીએ કબૂલ્યું કે તે સટ્ટામાં 6 લાખ રૂપિયા હારી ગયો હતો, જેના કારણે તે આ કૌભાંડમાં સામેલ થયો.

કુલ 12 આરોપીઓની ધરપકડ કરી

છેતરપિંડીની રકમને બિહાર, આસામ, દિલ્હી સહિત વિવિધ રાજ્યોના એકાઉન્ટ્સમાં વહેંચવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના ડિજિટલ કૌભાંડોના વધતા જોખમને દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now